HomeAllપંચાસર ચોકડી ખાતે વેટ પોલી ક્લિનિકમાં ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાનાં 9 વર્ષ...

પંચાસર ચોકડી ખાતે વેટ પોલી ક્લિનિકમાં ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાનાં 9 વર્ષ પૂર્ણ

આવતા વર્ષોમાં પણ અબોલ પશુ-પક્ષીઓની સેવા અવિરત રાખવાનો સંકલ્પ

મોરબી અપડેટ : મોરબી જિલ્લામાં ગુજરાત રાજ્ય સરકારના પશુપાલન વિભાગ તથા EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના સંકલનથી કાર્યરત ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાને 6 ઓક્ટોબર 2026ના રોજ સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે પંચાસર ચોકડી સ્થિત વેટ પોલી ક્લિનિક ખાતે સેવાની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.

છેલ્લા નવ વર્ષથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા મોરબી જિલ્લામાં અબોલ પશુ-પક્ષીઓને તાત્કાલિક અને નિઃસ્વાર્થ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એમ્બ્યુલન્સની ટીમ દ્વારા અંદાજે 30 હજારથી વધુ ગાય, ભેંસ, કબૂતર, કૂતરા, બિલાડી સહિત વિવિધ બીમાર અને ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર કરી અનેક જીવોને નવજીવન આપવામાં આવ્યું છે.

સેવાના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે 6 ઓક્ટોબરના રોજ પંચાસર ચોકડી સ્થિત વેટ પોલી ક્લિનિક ખાતે પશુપાલન વિભાગના વડા નવનીત જે. વડગરાની ઉપસ્થિતિમાં કેક કાપીને વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આગામી વર્ષોમાં પણ કરુણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા અબોલ પશુ-પક્ષીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે સેવા વધુ અસરકારક રીતે આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવા માત્ર સારવાર પૂરતી મર્યાદિત ન રહેતા ઈજાગ્રસ્ત અને બીમાર પશુ-પક્ષીઓને સમયસર સ્થળ પરથી રેસ્ક્યૂ કરી જરૂરી સારવાર અને સંભાળ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. મોરબી જિલ્લામાં આ સેવાના કારણે અનેક અબોલ જીવોને મુશ્કેલીના સમયમાં તાત્કાલિક મદદ મળી રહી છે.

વર્ષગાંઠના કાર્યક્રમમાં 181 પ્રોજેક્ટના પ્રોગ્રામ મેનેજર તુષાર બાબરવા, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દિનેશ ચાંચિયા તેમજ કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. સેવા સાથે જોડાયેલા કર્મચારીઓએ આગામી સમયમાં પણ અબોલ જીવોની સેવા અને સારવાર માટે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments