HomeAllનવરાત્રિના પ્રથમ નોરતે સામાજિક સમરસતાનું પ્રેરણાદાયી કાર્ય, 133 દીકરીઓનું કન્યા પૂજન કરી...

નવરાત્રિના પ્રથમ નોરતે સામાજિક સમરસતાનું પ્રેરણાદાયી કાર્ય, 133 દીકરીઓનું કન્યા પૂજન કરી સ્નેહભોજન કરાવાયું

મોરબી: ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ તથા સામાજિક સમરસતા મંચ મોરબીના સંયુક્ત ઉપક્રમે નવરાત્રિ પર્વના પ્રથમ નોરતે સામાજિક એકતા, સમાનતા અને બંધુત્વનો સંદેશ આપતી અનોખી પહેલ કરવામાં આવી હતી. આ અંતર્ગત અનુસૂચિત જાતિ હિન્દુ સમાજના પરિવારોની 133 દીકરીઓનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના 35 સ્વયંસેવકોના ઘરે પરિવારના વડીલો દ્વારા ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીકરીઓનું શાસ્ત્રોક્ત વિધિથી કન્યા પૂજન, લ્હાણી વિતરણ અને સ્નેહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમાજમાં તમામ વર્ગો વચ્ચે પરસ્પર આત્મીયતા વધે અને સામાજિક સમરસતાની ભાવના વધુ મજબૂત બને તેવા શુભ આશયથી આ કાર્યક્રમ યોજાયો હતો. સ્વયંસેવકોના પરિવારજનોએ દીકરીઓને માતૃશક્તિના સ્વરૂપ તરીકે સન્માન આપી ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું. આ સાથે દીકરીઓને લ્હાણી અને ભેટ અર્પણ કરી સ્નેહપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન દીકરીઓનું પોતાના પરિવારના સભ્યોની જેમ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા સમાજના વિવિધ વર્ગો વચ્ચેના અંતર ઘટાડવા, પરસ્પર વિશ્વાસ વધારવા અને આત્મીય સંબંધો ગાઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સહભાગી પરિવારોમાં આનંદ અને આધ્યાત્મિક સંતોષની લાગણી જોવા મળી હતી.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટની મોરબી શાખા, સામાજિક સમરસતા મંચ મોરબી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. નવરાત્રિના પવિત્ર પર્વે યોજાયેલી આ પહેલે મોરબી પંથકમાં સામાજિક એકતા, સમાનતા, સૌહાર્દ અને પરસ્પર સન્માનનો પ્રેરણાદાયી સંદેશ પ્રસરાવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments