HomeAllમોરબીમાં રાજપૂત સમાજનો ત્રિ-દિવસીય નવરાત્રી મહોત્સવ 13 ઓક્ટોબરથી, દશેરાએ રજવાડી ઠાઠ સાથે...

મોરબીમાં રાજપૂત સમાજનો ત્રિ-દિવસીય નવરાત્રી મહોત્સવ 13 ઓક્ટોબરથી, દશેરાએ રજવાડી ઠાઠ સાથે નીકળશે રાજપૂતાના મહારેલી

12-10-2026: મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આગામી 13થી 15 ઓક્ટોબર દરમિયાન સામાકાંઠે આવેલા ન્યુ પેલેસ (મોરબી-2) ખાતે ત્રિ-દિવસીય નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિજયાદશમીના પાવન પર્વે 20 ઓક્ટોબરના રોજ પરંપરાગત શસ્ત્ર પૂજન અને રાજપૂતાના મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

સમાજની બહેન-દીકરીઓ પરંપરાગત રીતે રાસ-ગરબાની રમઝટ માણી શકે તેવા હેતુથી આયોજિત નવરાત્રી મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે 8 વાગ્યાથી કાર્યક્રમ યોજાશે. આ મહોત્સવ માત્ર રાજપૂત સમાજ માટે આયોજિત કરવામાં આવ્યો છે. તેમાં ભાગ લેનાર બહેનોએ રાત્રે 8થી 9 વાગ્યા દરમિયાન પાસ મેળવી લેવાના રહેશે તથા પ્રથમ દિવસનો પાસ ત્રણેય દિવસ સાચવી રાખવાનો રહેશે.

ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા વિવિધ કેટેગરીમાં આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે. જેમાં પ્રિન્સેસ, રનર્સ પ્રિન્સેસ, લિટલ પ્રિન્સેસ, રનર્સ લિટલ પ્રિન્સેસ, ટ્રેડિશનલ ડ્રેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઇલ સહિત સરપ્રાઇઝ ઇનામોનો સમાવેશ થાય છે.

નવરાત્રી મહોત્સવ બાદ વિજયાદશમીના પર્વે મંગળવાર, 20 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 3:30 કલાકે પરંપરાગત શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલ (એમ.પી. સર્કલ)થી મોમાઈ માતાજીના મંદિર, ન્યુ પેલેસ સુધી ભવ્ય રાજપૂતાના મહારેલી યોજાશે.

મહારેલીમાં જિલ્લાના તમામ રાજપૂત ક્ષત્રિય ભાઈઓને રજવાડી પોશાક ધારણ કરીને, માથે સાફો બાંધી અને તલવાર સાથે જોડાવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજની શૌર્યગાથા, પરંપરા અને સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી જોવા મળશે.

નવરાત્રી મહોત્સવના મુખ્ય સ્પોન્સર સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની) તથા કો-સ્પોન્સર ડી. એસ. ઝાલા (દેવ સોલ્ટ પ્રા. લિ.) છે. મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ડી. ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જે. જાડેજાએ સમાજના સભ્યોને મહોત્સવ અને શસ્ત્ર પૂજનના કાર્યક્રમોમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments