HomeAllમોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના ‘વેલકમ નવરાત્રી’ મહોત્સવમાં 200થી વધુ ખેલૈયાઓની ગરબે રમઝટ

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના ‘વેલકમ નવરાત્રી’ મહોત્સવમાં 200થી વધુ ખેલૈયાઓની ગરબે રમઝટ

12-10-2026: મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સતત ચોથા વર્ષે સામાકાંઠે ઉમા ટાઉનશીપ સામે આવેલા મા ગરબીના પટાંગણમાં ભવ્ય ‘વેલકમ નવરાત્રી’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં 200થી વધુ ખેલૈયાઓએ ઉત્સાહભેર રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ખેલૈયાઓને આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જ્યારે દાતાઓ અને સંસ્થાના સભ્યોનું વિશેષ સન્માન કરાયું હતું.

કાર્યક્રમને સફળ બનાવવામાં મા ગરબી મંડળના સંચાલક ડૉ. જયરાજસિંહજી જાડેજા અને તેમની ટીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ નવરાત્રી મહોત્સવ માટે યોગદાન આપવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

મહોત્સવમાં ઇલેક્ટ્રિક બાઇકના સ્પોન્સર તરીકે સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરા અને કાજલબેન આદ્રોજાએ સહયોગ આપ્યો હતો. સંસ્થાના ફાઉન્ડર શોભનાબા ઝાલા અને પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈના હસ્તે દાતાઓ તથા સભ્યોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા પ્રેસિડેન્ટ ડૉ. સુષ્માબેન દુધરેજીયા, સોનુબેન કોટક, મંજુબેન સિંગલ, શોભનાબેન કણસાગરા, દિવ્યાબેન છગ, મનિષાબેન ગણાત્રા, પારૂલબેન પરમાર, હીનાબેન પંડ્યા, નિમિષાબેન ખન્ના, આરતીબેન, કોમલબેન આચાર્ય અને ચંદાબેન કાબરાના હસ્તે વિજેતાઓને આકર્ષક ઇનામો અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ઉમાશ બ્યુટી પાર્લરનાં ઉમાબેન સોમૈયા તરફથી ગિફ્ટ વાઉચર પણ આપવામાં આવ્યાં હતાં.

સમગ્ર કાર્યક્રમના આયોજન અને સફળ સંચાલનમાં સંસ્થાના ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા તથા સિનિયર મેમ્બર નીલાબેન કારિયાએ ભારે જહેમત ઉઠાવી હતી. પ્રેસિડેન્ટ ડૉ. સુષ્માબેને રજિસ્ટ્રેશન કમિટીનાં હીનાબેન પરમાર, આરતીબેન, કોમલબેન આચાર્ય, કાજલબેન મહેતા, કામિનીબેન સિંગ, માનસીબેન હિરાણી, જાનકીબેન કાસુન્દ્રા, સુનિતાબેન દોશી અને પાયલબેન આશર સહિતની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

મહોત્સવમાં નિર્ણાયક તરીકે રાજકોટનાં નિધી દવે અને ડૉ. રિશીતા જોષીએ સેવા આપી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન હેલી કોટેચાએ કર્યું હતું. આ રીતે સંગઠન, સહયોગ અને ઉત્સાહભર્યા ગરબા સાથે ઇન્ડિયન લાયોનેસ ક્લબનો ‘વેલકમ નવરાત્રી’ મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments