
મોરબી: વતનથી દૂર વસતા ગુજરાતીઓ માટે ગરબો માતાજીની આરાધના સાથે પોતાની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાવાનું માધ્યમ છે. આ ભાવનાને જીવંત કરતો ગરબા કાર્યક્રમ અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના પાર્સિપની શહેરમાં સ્મિથ ગાર્ડન ખાતે યોજાયો હતો.

અને મા અંબાજીની આરાધના સાથે ગુજરાતી તથા ભારતીય સમુદાયે ગરબે રમીને ભક્તિ અને પરંપરાનો આનંદ માણ્યો હતો. વડોદરા સાથે નાતો ધરાવતા પાર્સિપનીના મેયર પુલકિત દેસાઈની પ્રેરણાથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના સંગીતાબેન દેસાઈ, રજનીકાંત પાટીદાર તથા ગુણવંતભાઈ પટેલ (આરદેસણા) સાથે જોડાયેલા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

વડોદરાની ગાયિકા કાવ્યાબેનના સ્વરે રજૂ થયેલા માતાજીના ગરબાના તાલે અને ભક્તિના રંગે સહુ કોઈ ગરબે રમ્યા હતા. અને આયોજકો દ્વારા ભારતીય અનુરૂપ ખાણીપીણીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ સહિયારા પ્રયાસોથી વિદેશમાં વસતા ભારતીયોને પોતાની પરંપરા સાથે જોડાવાનો સુંદર અવસર મળ્યો હતો. અને મા અંબાના ગરબાના તાલે અમેરિકાની ધરતી પર ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર સંભળાયો હતો.
























