પશ્ચિમ ક્ષેત્ર સંઘ પ્રમુખ ડૉ. જયંતીભાઈ ભાડેશિયાના હસ્તે દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કરાશે; નવ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાશે

મોરબી: તા. 14/10/2026: મોરબીના લખધીરવાસ ચોક ખાતે ધી બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા આ વર્ષે પણ દુર્ગાપૂજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. 15 ઓક્ટોબરથી વિજયાદશમી તા. 21 ઓક્ટોબર સુધી યોજાનારા આ મહોત્સવમાં ધાર્મિક વિધિઓ, પૂજન-અર્ચન, આરતી અને વિવિધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગ્રુપના તમામ કમિટી સભ્યો અને કાર્યકરો છેલ્લા નવ વર્ષથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા અથાક મહેનત અને નિષ્ઠા સાથે તૈયારીઓ કરી રહ્યા છે.

મહોત્સવનો શુભારંભ તા. 15 ઓક્ટોબર, ગુરુવારના રોજ રાત્રે 8:30થી 9:30 વાગ્યા દરમિયાન પશ્ચિમ ક્ષેત્ર સંઘ પ્રમુખ ડૉ. જયંતીભાઈ ભાડેશિયાના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે રિબન કાપીને દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કરાશે અને દીપમાળા પ્રજ્વલિત કરીને પૂજાનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને મહાનુભાવો પણ પોતાની અનુકૂળતા મુજબ પંડાલમાં દર્શનાર્થે ઉપસ્થિત રહેશે.

દેવી મા દુર્ગાની ભક્તિનો મહિમા અનંત અને અપરંપાર છે. દુર્ગાપૂજા એ ભક્તિ દ્વારા શક્તિ અને શક્તિ દ્વારા મુક્તિ તરફ લઈ જતો આધ્યાત્મિક માર્ગ છે. મા દુર્ગાની આરાધના દ્વારા ભક્તો સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વના કલ્યાણની પ્રાર્થના કરે છે. સાચા હૃદયથી માતાજીનું સ્મરણ કરવાથી ભક્તોમાં શ્રદ્ધા, હિંમત અને સકારાત્મકતાનો સંચાર થાય છે.

દુર્ગાપૂજા માત્ર કોઈ એક પ્રદેશ કે પ્રાંત પૂરતો મર્યાદિત ઉત્સવ નથી, પરંતુ વિવિધ જાતિ, સમુદાય અને વર્ગના લોકોને એકસાથે જોડતો સાંસ્કૃતિક મહોત્સવ છે. પશ્ચિમ બંગાળની સમૃદ્ધ પરંપરા અને ભારતની મહાન સંસ્કૃતિના સમન્વય સમાન આ ઉત્સવને યુનેસ્કોએ માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સ્થાન આપ્યું છે. ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ દુર્ગાપૂજા શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

દુર્ગાપૂજા પંડાલમાં બુદ્ધિના દેવતા ગણેશજી, બળના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનની દેવી સરસ્વતી, ધન અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીજી તેમજ મહિષાસુરમર્દિની મા દુર્ગાની પૂજા-અર્ચના, આરતી અને સ્તુતિ કરવામાં આવશે. દરરોજ રાત્રે 8થી 9 વાગ્યા દરમિયાન મહાઆરતી યોજાશે. જ્યારે વિજયાદશમીના પવિત્ર દિવસે તા. 21 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે 5 વાગ્યા પછી લખધીરવાસ ચોક ખાતેથી વિસર્જનયાત્રા પ્રસ્થાન કરશે.

ધી બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય દુર્ગાપૂજા મહોત્સવમાં સહભાગી બની માતાજીનાં દર્શન, પૂજન અને આરતીનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દુર્ગાપૂજા મહોત્સવ અંગે વધુ માહિતી મેળવવા માટે મોહિતભાઈ (કાર્તિક) રાવલનો મોબાઇલ નંબર 7990215099 પર સંપર્ક કરી શકાય છે.




















