HomeAllફેસબુકમાં મોટો ફેરફાર, હવે ઓપન કરતાં જ ફુલસ્ક્રીન વીડિયો દેખાશે!

ફેસબુકમાં મોટો ફેરફાર, હવે ઓપન કરતાં જ ફુલસ્ક્રીન વીડિયો દેખાશે!

ભારતમાં: પણ કેટલાકને એફબી ઓપન કરતાં ફુલસ્ક્રીન વીડિયો દેખાવા લાગ્યા : અત્યારે આપણે પોતાના સ્માર્ટફોનમાં ફેસબુક એપ ઓપન કરીએ તો વર્ષોથી જે જોવા મળે છે એ જ જોવા મળે – ટેકસ્ટ/ફોટોથી ખીચોખીચ ન્યૂઝ ફીડ. ફેસબુકે પોતાની આ ઓળખ વર્ષોથી જાળવી રાખી છે. હવે ભારતમાં કેટલાય યૂઝરને ફેસબુક ઓપન કરતાં નવું કંઈક જોવા મળી રહ્યું છે – ફુસસ્ક્રીન વીડિયો! ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા કર્યું નહોતું એ પહેલાં, ફેસબુક કંપની તરીકે એપ્રિલ ૨૦૧૨માં આશરે એક અબજ ડોલર ચૂકવીને ઇન્સ્ટાગ્રામ સર્વિસ ખરીદી હતી. ત્યારથી આજ સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ફોકસ અલગ અલગ રહ્યું છે.

ફેસબુક પર વધુને વધુ પ્રમાણમાં લખાણ સાથે ચર્ચા થાય, લોકો તેમાં ફોટોઝ કે વીડિયો શેર કરે, પરંતુ વધુ મહિમા શબ્દોનો. જ્યારે ઇન્સ્ટાગ્રામમાં ઘણું ખરું ફોકસ ઇમેજ અને વીડિયો પર છે. ક્યારેક તો એટલું બધું કે આપણે ઇમેજ કે વીડિયો જોતા હોઇએ ત્યારે એ કોણે શેર કર્યું છે એ તરફ આપણું ખાસ ધ્યાન પણ ન જાય. આ રીતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અલગ અલગ ઓળખ જાળવી રાખ્યા પછી હવે ફેસબુક તેનું ફોકસ બદલી રહી છે. કારણ કદાચ છે સમગ્ર વિશ્વમાં વધતી ટિકટોકની લોકપ્રિયતા.

ટિકટોક પર ઇન્સ્ટાગ્રામની જેમ શોર્ટ વીડિયોની ભરમાર છે અને તેનો સતત વધતો ઉપયોગ હવે ફેસબુકને નડી રહ્યો છે. એ જ કારણે લાંબા સમયથી ફેસબુકમાં ટિકટોક અને ઇન્સ્ટાગ્રામની જેમ રીલ્સ બતાવવાનું પ્રમાણ વધી રહ્યું હતું. હવે ફેસબુક ‘વીડિયો-ફર્સ્ટ પ્લેટફોર્મ’ જેવાં જ રંગરૂપ ધારણ કરે એવી પૂરી શક્યતા છે. એ કારણે હવે આપણે ફેસબુક એપ ઓપન કરીશું ત્યારે હાલની જેમ ટેક્સ્ટ હેવી ન્યૂઝ ફીડની જગ્યાએ ફૂલ સ્ક્રીન વીડિયો જોવા મળે તેવી શક્યતા છે. અલબત્ત અત્યારે ફક્ત અમુક યૂઝર્સ સાથે આ નવા ઇન્ટરફેસની અજમાયશ કરવામાં આવી રહી છે.

તેનાં પરિણામોને આધારે તે તમામ યૂઝર્સ માટે રોલઆઉટ થશે કે નહીં તે નક્કી થશે. હાલના પ્રયોગ દરમિયાન પણ યૂઝર્સને નવો વીડિયો-હેવી લેઆઉટ બદલીને જૂનો ‘ફીડ-ફર્સ્ટ એક્સપિરિયન્સ’ પસંદ કરવાનો ઓપ્શન આપવામાં આવી રહ્યો છે. પ્રયોગ દરમિયાન કેટલા યૂઝર નવા લેઆઉટને બદલે જૂનો લેઆઉટ ચાલુ રાખવાનું પસંદ કરે છે તેના આધારે પણ આ ફેરફાર બધા યૂઝર્સ માટે લાગુ કરવો કે નહીં તે નક્કી થશે. એવી પણ પૂરી શક્યતા છે કે નવો લેઆઉટ બધા યૂઝરને આપવામાં આવે તો પણ તેમને પણ જૂનો ટેક્સ્ટ-હેવી લેઆઉટ પસંદ કરવાની તક મળશે. એવી પણ શક્યતા છે કે ફેસબુક પર અપલોડ થતા બધા વીડિયોને તેમની લેન્થ કે ફોર્મેટને ધ્યાનમાં રાખ્યા વિના રીલ્સ તરીકે ટ્રીટ કરવામાં આવશે અને એ જ રીતે શેર કરવામાં આવશે. ભારતમાં અત્યારે મેટાના ત્રણેય પ્લેટફોર્મ – ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ – પર વીડિયો ફોર્મેટ વધુમાં વધુ જોવાઈ રહ્યું છે એ ધ્યાનમાં રાખીને તથા ભારતમાં યુટ્યૂબ શોર્ટ્સ તરફથી મળતી હરીફાઇનો સામનો કરવા મેટા ફેસબુકમાં પણ વીડિયોને હીરો બનાવશે!

RELATED ARTICLES

Most Popular

Recent Comments