HomeAllમોરબીના ત્રાજપર ચોકડી ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ

મોરબીના ત્રાજપર ચોકડી ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ

માત્ર રૂ. ૫માં શ્રમિકોને પૌષ્ટિક ભોજનની સુવિધા મળશે, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે નવા કેન્દ્રનો પ્રારંભ

માહિતી મોરબી: ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ત્રાજપર ચોકડી ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ના નવા ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમલી આ કલ્યાણકારી યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. ૫ના નજીવા દરે પૌષ્ટિક, શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ભોજન પૂરું પાડવામાં આવે છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબી વૈશ્વિક સ્તરે સિરામિક ઉદ્યોગના અગ્રણી કેન્દ્ર તરીકે ઓળખાય છે. ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી શ્રમિકો રોજગારી માટે મોરબીમાં આવે છે અને ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. શ્રમિકો ઔદ્યોગિક વિકાસની સાચી આધારશિલા છે. રાજ્ય સરકાર શ્રમિકોના કલ્યાણ, સર્વાંગી વિકાસ અને જીવનધોરણ ઊંચું લાવવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે.

શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળ સહિતનું પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત અઠવાડિયામાં એક દિવસ ભોજનમાં સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેથી શ્રમિકોને પૌષ્ટિક આહારની સાથે ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે.

યોજનાનો લાભ મેળવવા માટે શ્રમિકો આધારકાર્ડ આધારિત નોંધણી નંબરનો ઉપયોગ કરી શકે છે અથવા કેન્દ્ર પર ઉપલબ્ધ QR કોડ સ્કેન કરીને સરળતાથી ભોજન મેળવી શકે છે. આ વ્યવસ્થાથી શ્રમિકોને સુલભ અને સસ્તા દરે ભોજનની સુવિધા ઉપલબ્ધ બને છે.

મોરબીના ત્રાજપર ચોકડી ખાતે નવા ભોજન વિતરણ કેન્દ્રના પ્રારંભથી બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન મેળવવામાં વધુ સુવિધા મળશે. શ્રમિકોના કલ્યાણ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા શ્રમિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments