
મોરબી: નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે છઠ્ઠા નોરતે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૨નાં કોર્પોરેટર મેઘાબેન દીપકભાઈ પોપટ દ્વારા કાલિકા પ્લોટ ખાતે આવેલી આંગણવાડીમાં નાનાં બાળકોને લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકાર્ય દરમિયાન બાળકોના ચહેરા પર ખુશી અને નિર્દોષ સ્મિત જોવા મળ્યાં હતાં. બાળકોને લાણીનું વિતરણ કરી તેમના આશીર્વાદ મેળવતાં મેઘાબેન પોપટે આનંદ અને ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી. નવરાત્રિના ધાર્મિક પર્વને સેવાકાર્ય સાથે ઉજવવાના આ પ્રયાસથી બાળકોમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે મેઘાબેન પોપટે મોરબીના ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે મા ખોડિયારના ચરણોમાં પ્રાર્થના કરી હતી. સાથે જ મા ખોડિયાર સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની વર્ષા કરે તથા સૌને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થતા રહે તેવી ભાવપૂર્વક પ્રાર્થના વ્યક્ત કરી હતી.

























