મોરબી મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર ચોકડી પાસેના સર્કલને રાષ્ટ્રવીર રણછોડદાસ પગીનું નામ આપવા તથા ન્યૂ હાઉસિંગ બોર્ડના મુખ્ય માર્ગને રબારી સમાજના અગ્રણી લોકસેવક સ્વ. પરબતભાઈ રબારીનું નામ આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી જે બંને નામકરણની પહેલને શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા હર્ષભેર વધાવી લેવામાં આવી છે. શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક ડો. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રવીર રણછોડદાસ પગીનું જીવન દેશભક્તિ, સાહસ અને રાષ્ટ્રસેવાનું પ્રેરક ઉદાહરણ છે, જ્યારે સ્વ. પરબતભાઈ રબારીએ લોકસેવા, સમાજહિત અને માનવતાના ક્ષેત્રે આપેલું યોગદાન હંમેશાં યાદગાર રહેશે.

આવા મહાનુભાવોનાં નામ જાહેર સ્થળો સાથે જોડાય તે ગૌરવની વાત છે. વધુમાં કહ્યું હતું કે, રબારી સમાજની લાગણી અને માગણીને માન આપીને બંને દરખાસ્તોને મંજૂર કરવામાં આવેલ છે તે બદલ મોરબી મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન આપીને આભાર વ્યક્ત કર્યો હતો. અને સમાજના લોકસેવકને જાહેર સ્તરે સન્માન આપવાની આ પહેલથી રબારી સમાજમાં આનંદની લાગણી છે.



























