
ટેક: જાયન્ટ WhatsApp દ્વારા એક મોટો અને ક્રાંતિકારી બદલાવ કરતા તેનું અત્યાર સુધીનું સૌથી મોટું ‘ગેસ્ટ કોલ’ (Guest Call) ફીચર સત્તાવાર રીતે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. આ નવા અપડેટ બાદ હવે યુઝર્સ એવા લોકો સાથે પણ સરળતાથી વોટ્સએપ કોલ કરી શકશે, જેઓ વોટ્સએપનો ઉપયોગ નથી કરતા અથવા તો જેમના સ્માર્ટફોનમાં આ એપ ડાઉનલોડ પણ થયેલી નથી. આ સુવિધા તમામ યુઝર્સ માટે એકદમ ફ્રી રહેશે. થોડા અઠવાડિયા પહેલા જ આ ફીચરના ટેસ્ટિંગના સમાચાર સામે આવ્યા હતા, ત્યારબાદ હવે કંપનીએ તેને વૈશ્વિક સ્તરે લોન્ચ કરી દીધું છે. કેવી રીતે કામ કરશે ગેસ્ટ કોલ?

પ્રાઇવસીનું રાખવામાં આવ્યું ખાસ ધ્યાન : આ ફીચર અંતર્ગત વોટ્સએપ યુઝર એક સ્પેશિયલ કોલ લિંક જનરેટ કરીને એવા વ્યક્તિને મોકલી શકશે જે વોટ્સએપ નથી વાપરતા. તે વ્યક્તિ એ લિંક પર ક્લિક કરીને સીધા જ કોલમાં જોડાઈ શકશે અને તેના માટે તેણે એપ ડાઉનલોડ કરવાની કોઈ જરૂર રહેશે નહીં. યુઝર્સની સુરક્ષા અને પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને કંપનીએ એપ્રૂવલ (મંજૂરી)ની ખાસ પ્રક્રિયા ઉમેરી છે. એટલે કે, જે યુઝરે લિંક જનરેટ કરી હશે તેણે દરેક ગેસ્ટને કોલમાં જોડવા માટે દર વખતે મેન્યુઅલી મંજૂરી આપવી પડશે. જો સામે વાળી વ્યક્તિ ઈચ્છે તો જ કોલમાં જોડાઈ શકશે, અન્યથા તે લિંક મેસેજને ઇગ્નોર પણ કરી શકે છે.

નો ટાઇમ લિમિટ અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સુરક્ષા : વોટ્સએપે તેના બ્લોગપોસ્ટ દ્વારા માહિતી આપતાં જણાવ્યું છે કે ગેસ્ટ કોલિંગ ફીચર વાપરવા માટે કોઈ જ સમયમર્યાદા રાખવામાં આવી નથી. યુઝર્સ ગમે તેટલો સમય ફ્રીમાં વાત કરી શકશે. આ ઉપરાંત, વોટ્સએપની અન્ય સામાન્ય કોલ્સની જેમ જ આ ગેસ્ટ કોલ્સમાં પણ ‘એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન’ની સંપૂર્ણ સુરક્ષા સુવિધા પૂરી પાડવામાં આવશે. આ ફીચર વ્યક્તિગત (Individual) કોલિંગ તેમજ ગૃપ કોલિંગ (Group Call) બંનેમાં શ્રેષ્ઠ રીતે સપોર્ટ કરશે.


સ્ક્રીન શેરિંગ સહિતના તમામ સ્ટેન્ડર્ડ ફીચર્સ મળશે : વોટ્સએપમાં ગેસ્ટ કોલ્સ દ્વારા જોડાનારા નોન-વોટ્સએપ યુઝર્સને પણ તે તમામ સુવિધાઓ મળશે, જે સામાન્ય વોટ્સએપ યુઝર્સને સ્ટેન્ડર્ડ કોલ્સ દરમિયાન મળે છે. દાખલા તરીકે, ગેસ્ટ યુઝર્સ પણ કોલ દરમિયાન પોતાની ‘સ્ક્રીન શેરિંગ’ ફીચરનો ઉપયોગ કરી શકશે અને લાઈવ કોલમાં ઇમોજીની મદદથી પ્રતિક્રિયા (React) પણ આપી શકશે. આ સિવાય, જો કોલ કરનાર યુઝર ઈચ્છે તો કોલ દરમિયાન જોડાયેલા કોઈપણ ગેસ્ટને કોઈપણ સમયે કોલમાંથી રીમુવ (દૂર) પણ કરી શકશે. વોટ્સએપ પર ગેસ્ટ કોલ કેવી રીતે કરવો?

ગેસ્ટ કોલ ફીચરનો ઉપયોગ કરવો અત્યંત સરળ છે. તેના માટે યુઝર્સે નીચે મુજબના સરળ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:

સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરી ‘Calls’ ટેબ પર જવાનું રહેશે.ત્યાં આપેલા ‘+’ ના નિશાન પર ક્લિક કરવાનું રહેશે.ક્લિક કરતા જ એક કોલ લિંક જનરેટ થશે.આ લિંકને નોન-વોટ્સએપ યુઝર સાથે શેર કરવાની રહેશે, જેથી તેઓ સીધા જ કોલમાં જોડાઈ શકશે.





















