HomeAllવિજ્ઞાન જાથાનું દેશવ્યાપી અભિયાન, કાળીચૌદશની રાજય કક્ષાની ઉજવણી તરઘડી સ્મશાનમાં થશે

વિજ્ઞાન જાથાનું દેશવ્યાપી અભિયાન, કાળીચૌદશની રાજય કક્ષાની ઉજવણી તરઘડી સ્મશાનમાં થશે

રાજયના ૧૧૧૩ નાના-મોટા નગરોમાં સ્મશાનમાં જાગૃતિ કાર્યક્રમો યોજાશે, સદીઓ જુની માન્યતાનું ખંડન કરાશે.

અમદાવાદ : ભારતમાં કાળીચૌદશની સદીઓ જુની માન્યતા, પરં૫રા, ગેરમાન્યતા, કુરિવાજ, કુપ્રથા પ્રવર્તે છે તેને નેસ્તનાબુદ કરવા ભારત જન વિજ્ઞાન જાથા છેલ્લા ૩૩ વર્ષથી દેશવ્યાપી અભિયાન ચલાવી રહ્યું છે. આ વર્ષે રાજયકક્ષાનો કાર્યક્રમ પડધરી તાલુકાના તરઘડી સ્મશાનમાં ઉજવણી કરવાનું નક્કી થયું છે તે સંબંધી જાગૃતોની મિટીંગ રવિવાર તા. ૧૮ મી સવારે ૧૦ કલાકે સ્મશાનમાં યોજાશે.

જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજયના ૧૧૧૩ નાના–મોટા નગરોના સ્મશાનમાં જાગૃતિ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ૩૪ મા વર્ષે રાજયકક્ષાનો કાર્યક્રમ તરઘડી સ્મશાનમાં યોજાશે. જેમાં ભુત-પ્રેતનું સરઘસ, સ્મશાનના ખાટલે વડા-ભજીયા આરોગવા, મશાલ સરઘસ, મેલીવિદ્યાની નનામીને અગ્નિદાહ, ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન સાથે સ્મશાનમાં નાસ્તાનું આયોજન સમસ્ત ગ્રામજનોના સહકારથી યોજાશે. કાળીચૌદશની ખૌફનાક, ભય પ્રેરિત વાતો લોકોના મનમાં ઘર કરી ગઈ છે તેને તિલાંજલિ આપવા જાથા સતત પ્રયત્ન કરે છે. ચાર ચોકમાં કુંડાળા કરી તેમાં ભજીયા-વડા મુકવાની કુપ્રથા વર્તમાન સમયે બંધ થવી જોઈએ. પાણી-અનાજનો બગાડ સૌ કોઈએ અટકાવવો જોઈએ. સદીઓથી કુપ્રથાને અનુસરવાથી માનવ સમાજને બરબાદી મળી છે તેથી હવે જાગવાની જરૂર છે. કર્મકાંડ-ક્રિયાકાંડોથી અધોગતિ મળી છે. જાથા પોતાનો વિચારો રજૂ કરે છે, માનવું કે ન માનવું તે લોકોના દાયરામાં આવે છે.

વધુમાં જયંત પંડયા જણાવે છે કે તરઘડી ગ્રામ પંચાયત અને સમસ્ત ગ્રામજનોને સહકારથી કાળીચૌદશ નવેમ્બર તા. ૭ મી શનિવારે સ્મશાનમાં અદ્દભુત ઉજવણી કરવામાં આવશે. સ્મશાનમાં દિવાળીની જેમ પર્વ મનાવવામાં આવશે.

મિટીંગમાં સરપંચ હિરેનભાઈ મોલીયા, સંજયભાઈ મોલીયા, પૂર્વ સરપંચ ઘેલાભાઈ વિસાભાઈ ઝાપડા, મગનભાઈ ઝાલાવડીયા સહિત આગેવાનો હાજરી આપવાના છે. મિટીંગમાં તરઘડી, રામપરા, મેટોડા, સરપદડ, મોવિયા સહિત અનેક ગામોના જાગૃતો હાજરી આપશે.

અંતમાં રવિવાર સવારે ૧૦ કલાકે નિયત સમયે મિટીંગ શરૂ થઈ ૬૦ મિનિટ પછી સમાપન થશે. વધુ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments