HomeAllગૌતમ અદાણી અને ડૉ. પ્રીતિ અદાણીએ ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી

ગૌતમ અદાણી અને ડૉ. પ્રીતિ અદાણીએ ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી

ધરમપુર (વલસાડ), 18 ઑક્ટોબર 2026: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ રવિવારે દક્ષિણ ગુજરાતના ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લઈ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીનાં આશીર્વાદ મેળવ્યા હતા. આ મુલાકાત દરમિયાન આધ્યાત્મિક સાધના, નિઃસ્વાર્થ સેવા, મહિલા સશક્તિકરણ, આરોગ્યસેવા અને વ્યાપક લોકકલ્યાણને લગતી વિવિધ પહેલો અંગે અર્થપૂર્ણ સંવાદ યોજાયો હતો.

355 એકરમાં વિસ્તરેલો શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD)નું આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક છે. વર્ષ 1994માં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી દ્વારા સ્થાપિત આ મિશન જૈન અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના આધ્યાત્મિક વારસાને આગળ ધપાવી રહ્યું છે. વિશ્વના છ ખંડોમાં 142 કેન્દ્રો દ્વારા મિશન આધ્યાત્મિક સાધના, આત્મવિકાસ અને નિઃસ્વાર્થ સેવા મારફતે વ્યક્તિગત ઉન્નતિ તથા સામાજિક ઉત્થાન માટે કાર્યરત છે.

મુલાકાત દરમિયાન ગૌતમ અદાણી અને ડૉ. પ્રીતિ અદાનીએ આશ્રમના રાજસભાગૃહમાં યોજાયેલા સત્સંગમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ માનવજીવનના હેતુ, આત્મજાગૃતિ અને આધ્યાત્મિક સાધનાના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સાધના અને સેવાને એકબીજાની પૂરક ગણાવી જીવન, પ્રતિભા અને સંસાધનોનો ઉપયોગ વ્યાપક લોકકલ્યાણ માટે કરવાની પ્રેરણા આપી હતી.

ગૌતમ અદાનીએ મિશનના યુવા સભ્યો સાથે પણ સંવાદ કર્યો હતો. વિવિધ શૈક્ષણિક અને વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંકળાયેલા આ યુવાનો આધ્યાત્મિક વિકાસની સાથે સામાજિક પહેલોમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. આ સંવાદ દરમિયાન યુવા વિકાસ, સેવા અને સમાજકલ્યાણનાં ક્ષેત્રોમાં ભવિષ્યમાં સંભવિત સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

મુલાકાતનો એક ભાવસભર પ્રસંગ ત્યારે સર્જાયો, જ્યારે ગૌતમ અદાણી અને ડૉ. પ્રીતિ અદાનીએ શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના પવિત્ર ચરણકમળનું પ્રક્ષાલન કરી ભાવપૂર્વક વંદના અર્પણ કરી હતી. આ અનુભવ અંગે ગૌતમ અદાનીએ પોતાની X પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે પ્રીતિ અદાણી સાથે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સાથે સ્નેહસભર પળો વિતાવી આશીર્વાદ મેળવ્યા હતા અને પ્રતિમાના ચરણ પ્રક્ષાલનનો અનુભવ અત્યંત ભાવવિભોર કરી દેનારો રહ્યો હતો.

ડૉ. પ્રીતિ અદાનીએ શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઑફ એક્સલન્સ ફૉર વુમનની મુલાકાત લઈ કૌશલ્ય વિકાસ, આજીવિકા અને ઉદ્યોગસાહસિકતાના કાર્યક્રમો સાથે જોડાયેલી આદિવાસી મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને આર્થિક રીતે સશક્ત કરવાની દિશામાં મિશન દ્વારા હાથ ધરવામાં આવતી પહેલો અંગે તેમણે જાણકારી મેળવી હતી.

તેમણે શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરની મુલાકાત દરમિયાન દિવ્યાંગ બાળકોને તબીબી સહાયક ઉપકરણોના વિતરણમાં ભાગ લીધો હતો. આ સાથે માનવકેન્દ્રિત આરોગ્યસેવા અને સર્વસમાવેશક કલ્યાણ માટે મિશન દ્વારા કરવામાં આવતા પ્રયાસો વિશે પણ માહિતી મેળવી હતી. તેમણે આશ્રમના જિનમંદિરમાં ભગવાન મહાવીરની પ્રતિમાજીનાં દર્શન કરી વંદના પણ કરી હતી.

ગૌતમ અદાનીએ શ્રીમદ્ રાજચંદ્ર લવ ઍન્ડ કેર (SRLC) દ્વારા વિશ્વભરમાં હાથ ધરવામાં આવતા સામાજિક સેવા અભિયાનો અંગે જાણકારી મેળવી હતી. આરોગ્યસંભાળ, શિક્ષણ, માનવતાવાદી સહાય, મહિલા અને આદિવાસી સશક્તિકરણ, પશુકલ્યાણ તથા પર્યાવરણ સંરક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં SRLC વિવિધ પ્રકલ્પો દ્વારા સેવા કાર્ય કરી રહ્યું છે. ડૉ. પ્રીતિ અદાનીએ SRLCના વિઝન કેર અભિયાન અંગે પણ માહિતી મેળવી હતી અને અદાણી ફાઉન્ડેશનના સામાજિક કલ્યાણના પ્રયાસો સાથે સંભવિત સમન્વયની દિશામાં વિચારવિમર્શ કર્યો હતો.

આ મુલાકાત આધ્યાત્મિક મૂલ્યો અને સામાજિક જવાબદારીના સમન્વયનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી હતી. સેવા, કરુણા, આત્મવિકાસ અને લોકકલ્યાણને કેન્દ્રમાં રાખીને થયેલી આ મુલાકાતથી ભવિષ્યમાં વિવિધ સામાજિક પહેલોમાં સહયોગની સંભાવનાઓને પણ વેગ મળ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments