HomeAllમોરબીમાં ભક્તિનો વિરાટ નજારો: BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા

મોરબીમાં ભક્તિનો વિરાટ નજારો: BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા

1 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં 5000થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા, હાથી, 10 ઘોડા, વિન્ટેજ કાર અને આકર્ષક ધાર્મિક ફ્લોટ્સ બન્યાં મુખ્ય આકર્ષણ

મોરબી: BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 1 કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં 5000થી વધુ શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના પગલે મોરબીના રાજમાર્ગો ભક્તિ, ઉત્સાહ અને ધાર્મિક આસ્થાના રંગે રંગાયા હતા.

રવાપર ઘુનડા રોડ પરથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા રવાપર રોડ, બાપા સીતારામ ચોક અને નેહરુગેટ ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. યાત્રામાં ભગવાનની મૂર્તિઓને બિરાજમાન કરાયેલા વિવિધ આકર્ષક ધાર્મિક ફ્લોટ્સ સાથે 100થી વધુ વાહનો જોડાયાં હતાં. બળદગાડાં, 10 ઘોડા, એક હાથી, વિન્ટેજ કાર તથા 100થી વધુ બાઈક અને કાર સહિતના વાહનો યાત્રાની ભવ્યતામાં વધારો કરતા જોવા મળ્યાં હતાં.

શોભાયાત્રામાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી હતી. મહારાષ્ટ્રના પરંપરાગત નૃત્યો, મોરબીના આદિવાસી નૃત્યો અને ગરબાની રમઝટે વાતાવરણને ઉત્સવમય બનાવ્યું હતું. વિવિધ પહેરવેશમાં સજ્જ શ્રદ્ધાળુઓએ ગરબા અને સામૈયામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિવિધ કરતબ અને ખડતાલની રજૂઆત કરીને ઉપસ્થિત લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

આ ધાર્મિક મહોત્સવમાં 500થી વધુ સાધુ-સંતોની ઉપસ્થિતિએ આધ્યાત્મિક માહોલને વિશેષ બનાવ્યો હતો. મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મેયર સહિતના પદાધિકારીઓ પણ શોભાયાત્રામાં જોડાયા હતા. મોરબી ઉપરાંત બહારગામથી આવેલા શ્રદ્ધાળુઓની મોટી ઉપસ્થિતિએ સમગ્ર આયોજનને વિશાળ જનભાગીદારીનો ઉત્સવ બનાવ્યો હતો.

BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળેલી આ શોભાયાત્રા મોરબીમાં ધાર્મિક આસ્થા, સામૂહિક એકતા અને સાંસ્કૃતિક વૈવિધ્યનો અનોખો સંગમ બની હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments