
24 ઓક્ટોબર 2026: મોરબી ખાતે આવતીકાલે 25 ઓક્ટોબરના રોજ ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. કમલમ ખાતે બપોરે 1 વાગ્યાથી શરૂ થનારી આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિતિ આપી સંગઠનના હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓને માર્ગદર્શન આપશે.

સૌરાષ્ટ્રભરમાંથી 300થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાનારી આ બેઠકમાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો તેમજ સૌરાષ્ટ્રના ધારાસભ્યો અને સાંસદો ભાગ લેશે.

બેઠક દરમિયાન પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી રાજકીય અને સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન તથા વિવિધ વિકાસલક્ષી કાર્યો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા પ્રતિનિધિઓને આગામી કામગીરી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

બપોરે 1 વાગ્યે શરૂ થનારી આ બેઠક સાંજે 3:30થી 4 વાગ્યા સુધી ચાલે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના વિવિધ સ્તરના ચૂંટાયેલા પ્રતિનિધિઓની વ્યાપક ઉપસ્થિતિને કારણે મોરબીમાં યોજાનારી આ બેઠક ભાજપના સંગઠનાત્મક આયોજનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે.























