એ.પી.એમ.સી. ખાતે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં દેશભક્તિમય કાર્યક્રમ યોજાયો; વિવિધ ક્ષેત્રના ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાઓનું સન્માન કરાયું

માહિતી મોરબી, ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬: અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે મોરબી જિલ્લામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મોરબી એ.પી.એમ.સી. ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ રાજ્યના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.


કાર્યક્રમની શરૂઆત સામૂહિક ‘વંદે માતરમ્’ ગાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનોએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ જાળવવાના શપથ લઈ સરદાર પટેલના રાષ્ટ્રીય એકતાના સંકલ્પને યાદ કર્યો હતો.

આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મોરબી જિલ્લાના પ્રગતિશીલ વ્યક્તિઓ અને અગ્રણીઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ પણ નિહાળ્યું હતું.

આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોરબીના મેયર ઉત્તમ સુરાણી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના મૂલ્યોને જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.






















