
દેશના: પ્રથમ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન તૈયાર થઈ રહી છે. કર્ણાટકના બેંગલુરુ સ્થિત BEML ફેસિલિટી ખાતે આ હાઈ-સ્પીડ ટ્રેનનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ સ્વદેશી બુલેટ ટ્રેનની મહત્તમ ટેસ્ટ સ્પીડ 280 કિમી પ્રતિ કલાક અને ઓપરેશનલ સ્પીડ 249 કિમી પ્રતિ કલાક રહેશે. સંપૂર્ણપણે ભારતીય પરિસ્થિતિઓ અને મુસાફરોની સુરક્ષા-સુવિધાને ધ્યાને રાખીને આ ટ્રેન ડિઝાઇન કરવામાં આવી છે. લગભગ 202 મીટર લાંબી આ ટ્રેનમાં કુલ 8 કોચ હશે, જેમાં 4 મોટર કોચ અને 4 ટ્રેઇલર કોચનો સમાવેશ થાય છે.

આખી ટ્રેનની કુલ મુસાફરોની ક્ષમતા આશરે 557 બેઠકોની રહેશે. જેમાં 7 સ્ટાન્ડર્ડ-ક્લાસ કોચ (3×2 સીટિંગ) અને 1 એક્ઝિક્યુટિવ-ક્લાસ કોચ (2×2 સીટિંગ) હશે. ભવિષ્યમાં મુસાફરોનો ધસારો પહોંચી વળવા માટે 8-8 કોચવાળી બે ટ્રેનોને જોડીને 16 કોચની સિંગલ ટ્રેન તરીકે પણ ચલાવી શકાશે. ટ્રેનના બંને છેડે ડ્રાઇવર કેબ રહેશે, જેમાં ઇન્ટેલિજન્ટ ઓન-બોર્ડ કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે ઓપરેશન કંટ્રોલ સેન્ટર સાથે તાલમેલ સાધશે. દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા અને લેવલ બોર્ડિંગ : દિવ્યાંગ મુસાફરો(PRM) માટે ટ્રેનમાં 2 સ્પેશિયલ સીટ્સ રાખવામાં આવી છે.

પ્લેટફોર્મ અને ટ્રેનના ફ્લોર વચ્ચે કોઈ ઊંચાઈનો તફાવત ન રહે તે માટે લેવલ બોર્ડિંગ ડિઝાઇન કરાઈ છે. પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેનું અંતર ઘટાડવા દરવાજા સાથે રિટ્રેક્ટેબલ ફૂટસ્ટેપ્સ લગાવવામાં આવ્યા છે. વ્હીલચેર સરળતાથી પ્રવેશી શકે તેવા દરવાજા, દિવ્યાંગ-ફ્રેન્ડલી શૌચાલય અને બ્રેઈલ લિપિ આધારિત સાઇનેજ પણ લગાવવામાં આવશે. લેગરૂમ અને લગેજ: મુસાફરો માટે પૂરતી લેગરૂમ ધરાવતી અર્ગોનોમિક સીટ્સ, ઓવરહેડ લગેજ રેક અને મોટા સામાન માટે ફ્લોર-માઉન્ટેડ લગેજ સ્ટેન્ડ.

ડિજિટલ કનેક્ટિવિટી: તમામ સીટો પર લેપટોપ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, કેબિનમાં હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષામાં માહિતી આપતી LCD સ્ક્રીન, તેમજ પ્રી-લોડેડ મનોરંજન માટે વાઇ-ફાઇ આધારિત ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ. ઇમરજન્સી સુવિધા: ઇમરજન્સીમાં ટ્રેન ક્રૂ સાથે વાત કરવા માટે પેસેન્જર કેબિન અને વેસ્ટિબ્યુલ્સમાં ઇમરજન્સી ટોક-બેક યુનિટ. શૌચાલય: પર્યાવરણને અનુકૂળ મોર્ડન બાયો-ડાયજેસ્ટર ટોઇલેટ. ક્લાઈમેટ કંટ્રોલ: દરેક કોચમાં તાપમાન અને ભેજનું સંતુલન જાળવવા 2 હાઈ-કેપેસિટી HVAC યુનિટ્સ. અવાજ નિયંત્રણ અને એરોડાયનેમિક ટેક્નોલોજી : મુસાફરી શાંત અને આંચકા રહિત બને તે માટે બોડી સ્ટ્રક્ચરમાં સાઉન્ડ ઇન્સ્યુલેશન, નોઇઝ-ડેમ્પિંગ કોટિંગ અને બોગી કવર્સ આપવામાં આવ્યા છે.

ટ્રેનની નોઝ (આગળનો ભાગ) અને કારબોડીને કમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ(CFD) સિમ્યુલેશન દ્વારા એરોડાયનેમિક ડિઝાઇન આપવામાં આવી છે, જેથી ટનલમાંથી પસાર થતી વખતે પ્રેશર વેવ્સ અને સોનિક બૂમની અસર નહિવત રહે. પાવર અને બ્રેકિંગ સિસ્ટમ : આ ટ્રેન હેવી કમ્પાઉન્ડ કેટેનરી મારફતે પૂરા પાડવામાં આવતા 25 kV, 50 Hz સિંગલ-ફેઝ AC ટ્રેક્શન સિસ્ટમ પર દોડશે. સાથે જ ટ્રેનમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી બ્રેક મારતી વખતે ઉર્જા ફરી ઉત્પન્ન થશે અને વીજળીની મોટી બચત થશે.






















