મોરબીના નાગરિકોને ઘરઆંગણે અને ધાબા પર શાકભાજીની વાડી વિકસાવવા વિવિધ શાકભાજીના ગુણવત્તાયુક્ત બિયારણ સાથે મળશે તાંત્રિક માર્ગદર્શન

માહિતી મોરબી: તા. ૦૫ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબી શહેરના નાગરિકો પોતાના ઘરઆંગણે જ તાજા અને પૌષ્ટિક શાકભાજી ઉગાડી શકે તે હેતુથી બાગાયત ખાતા દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ‘કેનીંગ અને કિચન ગાર્ડન’ યોજના અંતર્ગત શહેરીજનોને પોતાના ઘરના આંગણે અથવા ધાબા પર કિચન ગાર્ડન વિકસાવવા માટે રાહત દરે વિવિધ શાકભાજીના ગુણવત્તાયુક્ત બિયારણનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

આ યોજના હેઠળ ભીંડા, ગુવાર, રીંગણા, મરચા, ટામેટા, સુરતી પાપડી, દૂધી, તુરીયા, કાકડી, પાલક, મેથી, ધાણા, ડુંગળી, બીટ, વટાણા, ગાજર અને મૂળા સહિતની વિવિધ શાકભાજીના બિયારણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. બિયારણની સાથે નાગરિકોને કિચન ગાર્ડન વિકસાવવા અને તેની યોગ્ય જાળવણી કરવા અંગે જરૂરી તાંત્રિક માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.

શહેરીજનોને ઘરઆંગણે જ તાજા શાકભાજી ઉગાડવાની તક પૂરી પાડતી આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક નાગરિકોએ નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. વધુ માહિતી માટે ફોન નંબર ૦૨૮૨૨-૨૪૧૨૪૦ પર સંપર્ક કરી શકાશે.
























