નાગરિકોની સુખાકારી, મનોરંજન અને સ્વસ્થ જીવનશૈલી માટે આધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય બગીચાનું નિર્માણ

અંદાજે ૧.૮૩ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ગાર્ડનનું ૮૫ ટકા જેટલું કામ પૂર્ણ, ટૂંક સમયમાં લોકાર્પણ થતાં નગરજનોને મળશે હરિયાળું અને સુંદર નજરાણું


બાળકો માટે પ્લે એરિયા, મ્યુઝિકલ ફાઉન્ટેન, યોગા ઝોન, જોગિંગ ટ્રેક અને કેન્ટીન સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે નવનિર્મિત નેહરુ ગાર્ડન

માહિતી મોરબી, તા. ૦૫ નવેમ્બર, ૨૦૨૬

વાંકાનેર શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારીને વધુ વેગ આપવાના હેતુથી આધુનિક સુવિધાઓ સાથે નિર્માણ પામી રહેલો ભવ્ય ‘નેહરુ ગાર્ડન’ હવે પૂર્ણતાના આરે છે. સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રના સંકલનથી સાકાર થઈ રહેલો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વાંકાનેરની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થવા જઈ રહ્યો છે. નાગરિકોને હરવા-ફરવા, મનોરંજન અને સ્વસ્થ જીવનશૈલી માટે સુંદર સ્થળ ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બની રહેશે.

મોરબી જિલ્લાનો સૌથી મોટો અને આધુનિક ગાર્ડન

વાંકાનેર શહેરમાં અંદાજે ૧.૮૩ હેક્ટરના વિશાળ વિસ્તારમાં નિર્માણ પામી રહેલો નેહરુ ગાર્ડન મોરબી જિલ્લાનો સૌથી મોટો ગાર્ડન બની રહ્યો છે. નાગરિકોની સુખાકારીને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી રહેલા આ પ્રોજેક્ટનું અંદાજે ૮૫ ટકા જેટલું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં આ સુંદર જાહેર બગીચાનું લોકાર્પણ કરવામાં આવશે, જેના પગલે વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારના નાગરિકોને મનોરંજન અને આરામ માટે એક નવું સ્થળ ઉપલબ્ધ થશે.

તમામ વયજૂથના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર

નેહરુ ગાર્ડનની વિશેષતા એ છે કે અહીં તમામ વયજૂથના નાગરિકો માટે વિશેષ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો માટે આધુનિક પ્લે એરિયા, મનમોહક મ્યુઝિકલ ફાઉન્ટેન, હરિયાળીથી સભર સુંદર ગાર્ડન, વડીલો અને યુવાનો માટે યોગા ઝોન, ફિટનેસપ્રેમીઓ માટે જોગિંગ ટ્રેક તેમજ નાસ્તા-પાણી માટે કેન્ટીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે. આ સુવિધાઓ ગાર્ડનને પરિવારના દરેક સભ્ય માટે આકર્ષણનું કેન્દ્ર બનાવશે.

સુવિધા સાથે શહેરની શોભામાં અભિવૃદ્ધિ

વાંકાનેર શહેર અને સમગ્ર જિલ્લાના નાગરિકોને હવે પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવવા માટે એક સુંદર અને હરિયાળું જાહેર સ્થળ મળશે. બાળકોને મુક્તપણે રમવા માટે, વડીલોને હળવી કસરત અને આરામ માટે તેમજ યુવાનોને પોતાની ફિટનેસ જાળવવા માટે આ ગાર્ડન ઉપયોગી બનશે.

શહેરી સૌંદર્યીકરણ અને પ્રકૃતિના સંગમ સમાન નેહરુ ગાર્ડન વાંકાનેરની શોભામાં વધારો કરવાની સાથે નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપશે. આ નવનિર્મિત ગાર્ડન વાંકાનેરના વિકાસમાં વધુ એક સુંદર નજરાણું ઉમેરશે.
















