દ્વારકા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની SGFI ફેન્સિંગ સ્પર્ધામાં મોરબીની ખેલાડી બંસીબા રાણાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. પોતાની રમતકૌશલ્ય, મહેનત અને આત્મવિશ્વાસના બળે સિદ્ધિ મેળવી બંસીબા રાણાએ મોરબી શહેરનું ગૌરવ વધાર્યું છે.

મોરબી: મોરબી જિલ્લાની પ્રતિભાશાળી ખેલાડી બંસીબા રાણા દિવ્યરાજસિંહે રાજ્યકક્ષાની SGFI ફેન્સિંગ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી મોરબી જિલ્લાનું નામ ગૌરવભેર રોશન કર્યું છે. દ્વારકા જિલ્લાના નંદાણા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં બંસીબાએ શાનદાર રમતનું પ્રદર્શન કરી તૃતીય સ્થાન હાંસલ કર્યું હતું.

બંસીબા રાણા અગાઉ પણ ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ફેન્સિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે. સતત બીજી વખત રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેડલ જીતવાની સિદ્ધિ તેની રમત પ્રત્યેની મહેનત, લગન, શિસ્ત અને પ્રતિભાનું પ્રતીક બની છે.

હાલ બંસીબા આલ્ફા વિદ્યા સંકુલ, વડાલા, જૂનાગઢ ખાતે આવેલી DLSS (ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ)માં અભ્યાસ સાથે ફેન્સિંગની તાલીમ મેળવી રહી છે. અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહેલી બંસીબાએ પોતાની સિદ્ધિથી અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

બંસીબા રાણાની આ સિદ્ધિથી મોરબી જિલ્લા સહિત રમતગમત જગતમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે. તેની આ સફળતા બદલ અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે વધુ ઊંચાઈઓ સર કરી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.





























