શક્તિ માતાજીના 951મા પ્રાગટ્ય દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી, 951 દીવડાની મહાઆરતીથી શકત શનાળા ભક્તિમય બન્યું

મોરબી: શકત શનાળા ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરે માતાજીના 951મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે ધાર્મિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે 951 દીવડાઓ પ્રગટાવી ભવ્ય મહાઆરતી યોજવામાં આવી હતી, જેમાં ગામ સહિત મોરબી અને આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

સમસ્ત ગ્રામજનો અને તલવારબાજી ટીમના સહયોગથી યોજાયેલા આ ઉત્સવમાં માતાજીની ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ કલાકાર દ્વારા સતત 25 કલાકની મહેનતથી તૈયાર કરવામાં આવેલી શક્તિ માતાજીની વિશાળ અને આબેહૂબ રંગોળી રહી હતી. રંગોળીની સુંદરતા નિહાળવા દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ધાર્મિક ઉત્સવના ભાગરૂપે દર્શનાર્થે આવેલા તમામ ભક્તોને લાપસીનો પ્રસાદ તથા શક્તિ માતાજીના ફોટાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવના માહોલથી ગુંજી ઊઠ્યો હતો અને માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી શ્રદ્ધા તથા ઉત્સાહભેર સંપન્ન થઈ હતી.