
13 દુકાનધારકોને અગાઉ નોટિસ અને બાંહેધરી છતાં વેચાણ ચાલુ રહેતા તંત્રએ હાથ ધર્યું સીલિંગ ઓપરેશન : કાર્યવાહી સામે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, મનપા કચેરીએ મહિલાઓની રજૂઆત



મોરબી: ખાટકીવાસ ચોક વિસ્તારમાં નોનવેજ વેચાણને લઈને અગાઉ આપવામાં આવેલી નોટિસો અને વેપારીઓની બાંહેધરી છતાં ફરી વેચાણ શરૂ થતાં મહાનગરપાલિકા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિત ફૂડ વિભાગની ટીમે સ્થળ પર તપાસ કરી નિયમોનું ઉલ્લંઘન કરતી બે દુકાનોને સીલ કરી દીધી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકા દ્વારા અગાઉ ખાટકીવાસ વિસ્તારમાં અંદાજે 13 દુકાનધારકોને નોટિસ આપવામાં આવી હતી. આ પ્રકારની પ્રવૃત્તિ અહીં ન કરવા અંગે સૂચના આપવામાં આવી હતી અને વેપારીઓએ પણ પરવાનગી તથા લાયસન્સ વિના નોનવેજનું વેચાણ નહીં કરવાની બાંહેધરી આપી હતી. જોકે, ફરી વેચાણ શરૂ થતાં મનપા તંત્રએ સવારથી જ સ્થળ પર ઈન્સ્પેક્શન હાથ ધર્યું હતું.

તપાસ દરમિયાન નિયમો વિરુદ્ધ નોનવેજનું વેચાણ કરતી બે દુકાનો સામે કાર્યવાહી કરીને સીલ મારવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એલસીબી અને એ ડિવિઝન પોલીસનો કાફલો પણ મનપાની ટીમ સાથે જોડાયો હતો.

મનપાની કાર્યવાહી શરૂ થતાં ખાટકીવાસના સ્થાનિક રહીશો એકત્ર થઈ વિરોધ નોંધાવવા લાગ્યા હતા. આ દરમિયાન સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થતાં સ્થળ પર તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.

આ ઘટનાના પડઘા મહાનગરપાલિકા કચેરીએ પણ જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ સહિત રહીશો કચેરીએ પહોંચ્યા હતા અને તંત્ર સમક્ષ પોતાની રજૂઆતો કરવા પ્રયાસ કર્યો હતો. મહિલાઓ બે કલાકથી વધુ સમય સુધી કચેરી પરિસરમાં હાજર રહી ઉગ્ર રજૂઆત કરતી જોવા મળી હતી, જેના કારણે કચેરી ખાતે પણ ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો.



























