લાંબા સમયની રજૂઆતો બાદ રાજકોટ–મોરબી હાઈવેના રિસર્ફેસિંગ માટે રૂ. 103 કરોડ મંજૂર

મોરબી: રાજકોટ–મોરબી હાઈવેની બિસ્માર સ્થિતિને લઈને લાંબા સમયથી વાહનચાલકો અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતી રજૂઆતોને અંતે સફળતા મળી છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ–મોરબી સ્ટેટ હાઈવે (એસ.એચ.-24)ના રિસર્ફેસિંગ અને માર્ગ સુધારણા માટે રૂ. 103 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ કામગીરીથી લાંબા સમયથી માર્ગ પર સર્જાતી મુશ્કેલીઓ અને વાહનચાલકોની હાલાકી દૂર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મંજૂર થયેલા પ્રોજેક્ટ અંતર્ગત હાઈવેના કુલ 75.163 કિમી માર્ગને નવીનતમ કામગીરીથી સુદૃઢ બનાવવામાં આવશે. જેમાં પ્રથમ વિભાગના 46.163 કિમી માર્ગ માટે રૂ. 74 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ માર્ગ પર સમગ્ર લંબાઈમાં 50 એમ.એમ. જાડાઈનું બી.સી. (બિટુમિનસ કોંક્રીટ) રિસર્ફેસિંગ કરવામાં આવશે. ઉપરાંત જરૂરિયાત મુજબ પસંદગીના સ્થળોએ સી.સી. રોડ, સર્વિસ રોડ સહિતની આનુષંગિક કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

બીજા વિભાગના 29 કિમી માર્ગ માટે રૂ. 29 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ વિભાગમાં પણ સમગ્ર લંબાઈમાં 50 એમ.એમ. જાડાઈનું બી.સી. રિસર્ફેસિંગ કરવામાં આવશે, જ્યારે પસંદગીના સ્થળોએ એફ.ડી.આર. (ફુલ ડેપ્થ રિક્લેમેશન), સી.સી. રોડ અને સર્વિસ રોડ સહિતની જરૂરી સુધારણા કામગીરી કરવામાં આવશે.

આમ, બંને વિભાગોને મળીને કુલ રૂ. 103 કરોડના ખર્ચે રાજકોટ–મોરબી હાઈવેનું રિસર્ફેસિંગ અને સુધારણા કરવામાં આવનાર છે. લાંબા સમયથી માર્ગની સ્થિતિ અંગે થતી રજૂઆતો બાદ મળેલી આ મંજૂરીથી હાઈવે પરથી પસાર થતા હજારો વાહનચાલકોને રાહત મળશે અને માર્ગની સલામતી, સુવિધા તથા મુસાફરીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થવાની શક્યતા છે.