મોરબીના આગેવાનો દ્વારા વાવ દરબારગઢ ખાતે વીર શિરોમણી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના વંશજ તથા વાવ સ્ટેટના રાણાસાહેબ ગજેન્દ્રસિંહજી ચૌહાણ અને નામદાર યુવરાજ શિવરાજસિંહજી ચૌહાણ સાથે શિષ્ટાચાર મુલાકાત યોજાઈ હતી.

આ મુલાકાત દરમિયાન ઐતિહાસિક, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો પર સૌહાર્દપૂર્ણ વાતચીત તથા વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરબી ન્યૂમિસમેટિક ક્લબની સ્થાપના, સંસ્થાના ઉદ્દેશો અને વિવિધ પ્રવૃત્તિઓ અંગે રાજવી પરિવારને માહિતગાર કરવામાં આવ્યા હતા.

સાથે જ મોરબીના યુવા લેખક પરમ જોલાપરા દ્વારા સંશોધિત ગ્રંથ ‘વિશ્વદેવ વિશ્વકર્મા’ની એક પ્રત રાણાસાહેબ ગજેન્દ્રસિંહજી ચૌહાણને સાદર અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાની કામગીરી તેમજ પુસ્તકના સંશોધનકાર્ય અંગે જાણીને રાણાસાહેબે રાજીપો વ્યક્ત કર્યો હતો અને સંસ્થાની ભવિષ્યની પ્રગતિ તથા સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.

મુલાકાત દરમિયાન રાણાસાહેબ ગજેન્દ્રસિંહજી ચૌહાણની સાદગી, વિનમ્રતા અને આત્મીયતાભર્યા વ્યવહારથી ઉપસ્થિત આગેવાનો પ્રભાવિત થયા હતા. રાજવી પરંપરાની ગરિમા જાળવી રાખતા તેમના સહજ સ્વભાવ અને સૌજન્યપૂર્ણ આવકારથી આ મુલાકાત યાદગાર બની રહી હતી.

આ પ્રસંગે એડવોકેટ મિતેશભાઈ દવે, એડવોકેટ દર્શનભાઈ દવે, તૃષિલભાઈ દવે તથા ધરાધરા સ્ટેટના ગજેન્દ્રસિંહજી ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.





























