લજાઈ ખાતે 13 કુરિવાજોને તિલાંજલિ આપી 65 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા

મચ્છુકાંઠા રબારી સમાજના નવા બંધારણ હેઠળ પ્રથમ સમૂહ લગ્નોત્સવ, ભવ્ય તુલસી વિવાહ સાથે સમાજ સુધારણાનો સંદેશ

મોરબી-રાજકોટ હાઈવે પર આવેલા લજાઈ ગામના જોગ આશ્રમ ખાતે મચ્છુકાંઠા રબારી સમાજ સમરસ યુવા સંગઠન દ્વારા ભવ્ય તુલસી વિવાહ અને 65 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં લગ્ન પ્રસંગે થતા બિનજરૂરી ખર્ચ અને જૂની કુરિવાજોને દૂર કરી સાદગી તથા સામાજિક એકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી નવા બંધારણ હેઠળ યોજાયેલ આ પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 65 દીકરીઓએ દાંપત્યજીવનની શરૂઆત કરી હતી.

મચ્છુકાંઠા અને હાલાર રબારી સમાજની સર્વસંમતિથી 13 કુરિવાજોને દૂર કરી નવું સામાજિક બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ બંધારણનો હેતુ આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારોને લગ્ન તથા સામાજિક પ્રસંગોમાં થતા ભારે ખર્ચમાંથી રાહત આપવાનો છે. આ પ્રસંગે ઠાકર ભગવાન અને તુલસી માતાજીના વિવાહ પણ નવા બંધારણના નિયમો મુજબ સંપન્ન કરવામાં આવ્યા હતા.

નવા બંધારણ હેઠળ લગ્ન લખવાની વિધિ માત્ર પાંચ લગનિયા અને પરિવારના મર્યાદિત સભ્યોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. અગાઉ સાબ પ્રથામાં રૂ. 2થી 2.5 લાખ સુધીનો ખર્ચ થતો હતો, જેમાં ઘટાડો કરીને હવે દીકરી પક્ષ દ્વારા રૂ. 51 હજાર રોકડા આપવાનો નિયમ નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત, 12 દિવસ સુધી ચાલતી લૌકિક પ્રથાને ઘટાડીને માત્ર બે દિવસની કરવામાં આવી છે. આ ફેરફારોને સમાજમાં સાદગી, સમાનતા અને આર્થિક રાહતના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યા છે.

ભવ્ય તુલસી વિવાહમાં વનાળીયા ગામેથી અજાણા પરિવારના અમરીમાંના ઠાકરની જાન વાજતે-ગાજતે આવી પહોંચી હતી. કન્યા પક્ષ તરફથી સાદુળકા સ્થિત લીંબોજ માતાજીના મઢે ભુંભરીયા પરિવાર દ્વારા તુલસી માતાજીનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મચ્છુકાંઠાના ખટાણા પરિવાર દ્વારા ઠાકર ભગવાનને ત્રણ તોલાનો સોનાનો હાર, ચાંદીનો મુગટ, મુરલી અને ચાંદીના કડા અર્પણ કરી ભવ્ય મામેરું ભરવામાં આવ્યું હતું, જ્યારે તુલસી માતાજીનું મામેરું ખાંભલા પરિવાર દ્વારા ભરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે સાધુ-સંતો, મહંતો, રાજકીય આગેવાનો તેમજ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને 13 કુરિવાજોને દૂર કરી સમાજમાં પરિવર્તન લાવવાના સમરસ યુવા સંગઠનના પ્રયાસને બિરદાવ્યો હતો. સમગ્ર આયોજન વડવાળા ઠાકર, મા ભગવતી મોમાઈની કૃપા અને સમાજના સામૂહિક સહકારથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.