બંને પેપરના ગુણ અલગ જાહેર કરવા, ઉત્તરવહી અને સત્તાવાર આન્સર કી ઉપલબ્ધ કરાવવા સહિત 7 મુદ્દે રજૂઆત

મોરબી, તા. 20 નવેમ્બર 2026: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TAT HS (હાયર સેકન્ડરી) મુખ્ય પરીક્ષાના પરિણામમાં વિસંગતતા હોવાના આક્ષેપ સાથે મોરબીના ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે. ઉમેદવારોએ પરિણામ અંગેના પ્રશ્નો, મૂલ્યાંકન પ્રક્રિયાની પારદર્શિતા અને પરીક્ષાર્થીઓના હિતમાં સત્વરે યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી હતી.

ગત 8 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલી TAT HS મુખ્ય પરીક્ષાનું પરિણામ 6 નવેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થયા બાદ અનેક ઉમેદવારોમાં મળેલા ગુણ અંગે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના જણાવ્યા મુજબ, પરીક્ષામાં પ્રિલિમ્સના ટોપર્સ, યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ, 10થી 15 વર્ષનો શિક્ષણ ક્ષેત્રનો અનુભવ ધરાવતા શિક્ષકો, પીએચ.ડી. થયેલા ઉમેદવારો તેમજ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર મેળવનારા અને પુસ્તકો પ્રકાશિત કરનારા શિક્ષકો પણ સામેલ હતા.

આવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ 150થી વધુ ગુણનું સચોટ લખાણ લખ્યું હોવા છતાં પરિણામમાં 80થી 110 ગુણની આસપાસ જ ગુણ મળતા હોવાનો દાવો કરી ઉમેદવારોએ મૂલ્યાંકન પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે. પરિણામમાં જોવા મળતી આ સ્થિતિને પગલે પરીક્ષાની તપાસ અને ગુણાંકન પદ્ધતિ અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં ઉમેદવારોએ મુખ્યત્વે સાત મુદ્દાઓ રજૂ કર્યા છે. જેમાં બંને પેપરના ગુણ અલગ-અલગ જાહેર કરવા, સીટ નંબર, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ, કેટેગરી અને વિષયવાર પરિણામની સંપૂર્ણ યાદી પ્રસિદ્ધ કરવા તેમજ માત્ર એક પેપર આપનારા ઉમેદવારોનું પરિણામ પણ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત, દરેક ઉમેદવારની બંને પેપરની લખેલી ઉત્તરવહી ઉપલબ્ધ કરાવવા, પેપર-1 ગુજરાતી ભાષા સજ્જતા અને પેપર-2 વિષયની અધિકૃત આન્સર કી જાહેર કરવા, પરિણામના જાહેરનામામાં દર્શાવાયેલા આંકડાઓની વિસંગતતા અંગે ખુલાસો આપવા પણ રજૂઆત કરવામાં આવી છે.

ઉમેદવારોએ અભ્યાસક્રમ ધોરણ 11-12 સુધીનો હોવા છતાં પ્રશ્નપત્રની કઠિનતા અનુસ્નાતક કક્ષાની હોવાનું જણાવી પેપર તપાસનારની લાયકાત એમ.એડ. અથવા પ્રોફેસર સમકક્ષ હોવી જોઈએ કે કેમ તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. સાથે જ મૂલ્યાંકન માટેના માપદંડો અને નિયમો જાહેર ન કરાયા હોવાની બાબતે પણ જવાબદારીપૂર્વક ખુલાસો કરવાની માંગ ઉઠાવી છે.

અંતે ઉમેદવારોએ સમગ્ર મામલે પારદર્શક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી, પરિણામની વિશ્વસનીયતા અંગે ઊભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવી પરીક્ષાર્થીઓના હિતમાં સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે.


























