
રાજ્ય સરકાર દ્વારા TET પરીક્ષા ફરજિયાત પાસ કરવા સંબંધિત જાહેર કરાયેલા પરિપત્રને લઈને પ્રાથમિક શિક્ષકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના બેનર હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો.

70 હજાર શિક્ષકોને સીધી અસર થઈ શકે: શિક્ષકોનું કહેવું છે કે TET પરીક્ષા ફરજિયાત બનાવતા પરિપત્રથી રાજ્યના આશરે 70 હજાર શિક્ષકોને સીધી અસર થઈ શકે છે. સંઘના આગેવાનોના જણાવ્યા મુજબ, વર્ષોથી સેવા આપતા શિક્ષકો માટે આ પ્રકારની નવી શરત લાગુ કરવી યોગ્ય નથી અને સરકાર આ નિર્ણય પર પુનર્વિચાર કરે તેવી માંગ કરવામાં આવી છે.

પરિપત્ર પાછો ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર: વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ પરિપત્ર પાછો ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પ્રાથમિક શિક્ષક સંઘે જણાવ્યું કે જો તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે: આ મુદ્દે આગામી 13 જુલાઈએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. શિક્ષક સંઘે જણાવ્યું છે કે રજૂઆત દરમિયાન પરિપત્રથી ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે વિગતવાર રજૂઆત કરીને શિક્ષકોના હિતમાં નિર્ણય લેવા વિનંતી કરવામાં આવશે.




















