વિદ્યાર્થીઓએ ગુરુપૂજન કરી આચાર્ય અને શિક્ષકોનું સન્માન કર્યું

બગથળાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ઉત્સાહ અને ભાવસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુના અનન્ય અને વંદનીય સ્થાનના મહિમાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો શાળાના પ્રાંગણમાં યોજાયા હતા.


આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય હેતલબેન ગેડીયા તેમજ શિક્ષકો સોજીત્રા સાહેબ, ધર્મિષ્ઠાબેન, શીતલબેન અને દીપ સાહેબને જ્ઞાનના પ્રતીકરૂપે પુસ્તક તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. સાથે જ ગુરુવંદના દ્વારા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદરભાવ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાનું સાંસ્કૃતિક અને જીવનઘડતરનું મહત્વ સમજાવ્યું હતું. શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નહીં, પરંતુ જીવનમાં યોગ્ય દિશા અને સંસ્કાર આપનાર માર્ગદર્શક હોવાનું જણાવી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યા હતા.

શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને ગુરુ પ્રત્યે આદરની ભાવના વિકસાવવાના સંદેશ સાથે યોજાયેલી ઉજવણીથી શાળા પરિસરમાં પવિત્ર અને પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ ગુરુજનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.





















