માજી નગરસેવકની લેખિત ફરિયાદ બાદ ઇન્ટરનલ ઓડિટરને તપાસ સોંપાઈ; કોન્ટ્રેક્ટ અને ડેડસ્ટોક અંગે RTIમાં માહિતી ન મળ્યાનો પણ દાવો

મોરબી: મોરબી મહાનગરપાલિકાની માલિકીના લાખો રૂપિયાના ભંગાર અને જૂના માલસામાનના નિકાલને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. વિસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ પર આવેલા જૂથના ડેલામાં વર્ષોથી પડેલી લોખંડની પાઇપલાઇન, વાલ્વ, ઇલેક્ટ્રિક મોટર, ટ્રેક્ટરની ટ્રોલી, જીપ સહિતનો કિંમતી ભંગાર કોન્ટ્રેક્ટર દ્વારા લઈ જવાયો હોવાનો આક્ષેપ નગરપાલિકાના માજી સદસ્ય જયંતીભાઈ છગનભાઈ પાટલિયાએ કર્યો છે. આ મામલે તેમણે મહાનગરપાલિકાને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી છે.

જયંતીભાઈ પાટલિયાએ 17 જૂનના રોજ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વિસીપરાના ધોળેશ્વર રોડ પર આવેલા જૂથના ડેલાની જગ્યાએ કોમ્યુનિટી હોલ બનાવવાનો નિર્ણય લઈ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, આ સ્થળે વર્ષોથી પડેલી અંદાજે 70થી 90 ટન વજનની જૂની લોખંડની પાઇપલાઇન, 8થી 9 ટન જેટલા જૂના વાલ્વ, 20થી 30 ટન જેટલી ઇલેક્ટ્રિક મોટરો તેમજ ટ્રેક્ટરની જૂની ટ્રોલી, બે જીપ અને અન્ય સામગ્રી 21 મે 2026ના રોજ જેસીબીની મદદથી વાહનોમાં ભરી લઈ જવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં જૂથના ડેલામાંથી અન્ય ભંગાર પણ લઈ જવાયો હોવાનો દાવો કરી અંદાજે 200 મેટ્રિક ટન ભંગાર ક્યાં ગયો તે અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે ભંગારના ડેડસ્ટોક રેકોર્ડ, નિકાલની મંજૂરી અને કોન્ટ્રેક્ટરની ભૂમિકા સહિતના મુદ્દે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

કોન્ટ્રેક્ટ અને ડેડસ્ટોક અંગે RTIમાં માહિતી ન મળ્યાનો દાવો

આ મામલે જાગૃત નાગરિક દલસુખભાઈ મુળજીભાઈ ચૌહાણે 29 મે 2026ના રોજ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કોમ્યુનિટી હોલના બાંધકામનો કોન્ટ્રેક્ટ કોને આપવામાં આવ્યો, ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી કે નહીં, ટેન્ડરની શરતો અને બોલીની નકલ તેમજ જૂથના ડેલામાં રહેલા જૂના માલસામાનના ડેડસ્ટોકની વિગતો સહિતની માહિતી માંગી હતી. જોકે, માંગવામાં આવેલી વિગતો મહાનગરપાલિકા તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ભંગાર મામલે ઇન્ટરનલ ઓડિટરને તપાસ સોંપાઈ

સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ ભંગાર અંગેની તપાસ ઇન્ટરનલ ઓડિટરને સોંપવામાં આવી હોવાનું જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ જૂના ડેલામાં અંદાજે રૂ.1.20 લાખના ભંગાર સહિત કુલ રૂ.8 લાખનો જૂનો ભંગાર વેચાયો છે, જ્યારે હજુ આશરે 70 ટકા ભંગાર ત્યાં પડેલો હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં ઉઠાવાયેલા આક્ષેપો અને ઉપલબ્ધ રેકોર્ડની તપાસ બાદ જ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.

આવાસ યોજનાના સ્ટ્રીટ લાઇટ ભંગાર મામલે પણ સવાલ

મહાનગરપાલિકાના માલસામાનને લઈને અગાઉ પણ સવાલો ઊભા થયા છે. લીલપર રોડ પર આવેલી મુખ્યમંત્રી આવાસ યોજનાના કોમ્યુનિટી હોલમાંથી સ્ટ્રીટ લાઇટનો ભંગાર ચોરાઈ ગયાની ફરિયાદ પણ અગાઉ સામે આવી હતી. કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ તપાસની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ત્યાં કેટલો ભંગાર હતો અને કેટલી સામગ્રી ગુમ થઈ તે અંગે સત્તાવાર વિગતો સ્પષ્ટ ન થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કોરોના કાળની સિમેન્ટ બગડવાના મામલે કાર્યવાહી અંગે પ્રશ્ન

વર્ષ 2020-21ના કોરોના સમયગાળા દરમિયાન નગરપાલિકા દ્વારા મંગાવવામાં આવેલી સિમેન્ટનો જથ્થો સમયસર ઉપયોગમાં ન લેવાતા જામી ગયો હોવાનો મામલો પણ અગાઉ સામે આવ્યો હતો. તે સમયે નગરપાલિકા સિમેન્ટ આપતી અને સોસાયટીઓ મજૂરીનો ખર્ચ ઉઠાવતી તેવી વ્યવસ્થા હોવાનું જણાવાયું હતું. જોકે, લાંબા સમય સુધી કામ ન થતાં લાખો રૂપિયાની સિમેન્ટ બગડી ગઈ હતી. આ મામલે અધિકારીઓ અને એન્જિનિયરોની પૂછપરછ બાદ પણ નક્કર કાર્યવાહી થઈ ન હોવાનો આક્ષેપ છે.

નંદીઘરના ઘાસચારા અને કન્ટેનર ખરીદી અંગે પણ ઉઠ્યા હતા સવાલ

શહેરમાં રખડતા ગૌવંશ માટેની નંદીઘર વ્યવસ્થામાં ઘાસચારાના હિસાબ અંગે માહિતી માંગવામાં આવતા જરૂરી રજિસ્ટર નિભાવવામાં ન આવતું હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આશરે રૂ.10 લાખના ભાવે કન્ટેનર ખરીદવામાં આવ્યાના મુદ્દે પણ ગેરરીતિના આક્ષેપ થયા હતા. જોકે, નગરપાલિકાએ કન્ટેનરની ખરીદી GeM પોર્ટલ મારફતે કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

હાજરી કૌભાંડની તપાસ કાનૂની પ્રક્રિયાને કારણે વિલંબિત

મોરબી મહાનગરપાલિકામાં રોજમદાર અને હંગામી કર્મચારીઓની હાજરી સંબંધિત કથિત કૌભાંડમાં અત્યાર સુધીમાં આશરે 10 કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે છેલ્લા કેટલાક મહિનાથી પોલીસ તપાસ ચાલી રહી છે. તપાસનીશ અધિકારી પીઆઇ વાય.બી. જાડેજાના જણાવ્યા મુજબ આરોપીઓએ હાઇકોર્ટનો આશરો લેતા કાનૂની પ્રક્રિયાને કારણે તપાસ આગળ વધવામાં વિલંબ થયો છે.

વિસીપરાના જૂથના ડેલામાંથી ભંગાર લઈ જવાયાના આક્ષેપ બાદ હવે મહાનગરપાલિકાની ઇન્ટરનલ ઓડિટ તપાસમાં ભંગારનો વાસ્તવિક જથ્થો કેટલો હતો, કેટલો માલ નિયમસર વેચાયો, કેટલો હજુ ઉપલબ્ધ છે અને ફરિયાદમાં ઉઠાવાયેલા આક્ષેપોમાં કેટલી હકીકત છે તે તપાસ બાદ સ્પષ્ટ થશે.









