વીજલાઇનની બરાબર નીચે પાણીના ઊંચા ફુવારા ઉડતા શોર્ટ સર્કિટ કે દુર્ઘટનાનો ભય

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નેશનલ હાઇવે પરથી શોભેશ્વર રોડ તરફ જતા માર્ગ પર કુબેર ટોકીઝ નજીક પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા મોટી માત્રામાં શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું હતું. પાઇપલાઇનમાંથી સતત પાણી નીકળતા આસપાસના માર્ગ પર પાણી ફરી વળ્યું હતું અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે શોભેશ્વર રોડ પર પાણીની મુખ્ય લાઇનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું. લાઇનમાંથી ભારે દબાણ સાથે પાણી નીકળતા ઊંચા ફુવારા ઉડ્યા હતા. કલાકો સુધી પાણીનો વેડફાટ ચાલુ રહેતા તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે તેવી જરૂરિયાત ઊભી થઈ હતી.

ચિંતાજનક બાબત એ છે કે જ્યાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે તેની બરાબર ઉપરથી પીજીવીસીએલની જીવંત વીજલાઇન પસાર થઈ રહી છે. પાણીના ફુવારા અને વીજલાઇનની નજીકતાને કારણે શોર્ટ સર્કિટ સહિતની દુર્ઘટનાનો ભય સ્થાનિકોમાં જોવા મળ્યો હતો.

મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણને કારણે પાણી વિતરણ વ્યવસ્થા પણ પ્રભાવિત થવાની શક્યતા છે. પાણીનો વધુ વેડફાટ અટકાવવા તેમજ સંભવિત દુર્ઘટના ટાળવા સંબંધિત તંત્ર દ્વારા લાઇનનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.





















