મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે ગુરુપૂજન કરી આશીર્વાદ મેળવ્યા

પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના દર્શન કરી ગુરુ મહિમાની ઉજવણીમાં સહભાગી થયા

મોરબી: મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીય તાજેતરમાં મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસર નિમિત્તે તેમણે મોરબી નજીક આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ખોખરા હનુમાનજી હરિહર આશ્રમ ખાતે શીશ નમાવી ગુરુપૂજન કર્યું હતું.

મુલાકાત દરમિયાન કૈલાશ વિજયવર્ગીયએ પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના દર્શન કરી ગુરુપૂજન અને ગુરુસેવા કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ અવસરે તેઓ ગુરુ મહિમાની ધાર્મિક ઉજવણીમાં પણ સહભાગી થયા હતા.

ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે આશ્રમ પરિસરમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, સ્થાનિક રાજકીય અગ્રણીઓ તેમજ હજારો ગુરુભક્તોની ઉપસ્થિતિ રહી હતી. કૈલાશ વિજયવર્ગીયના આગમન પ્રસંગે સ્થાનિક ભાજપ સંગઠન અને આશ્રમ પરિવાર દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.