
ભારત સરકાર સાયબર ઇન્ટેલિજન્સ આર્કિટેક્ચર વિકસાવવાની તૈયારીમાં છે. આ પહેલનો ઉદ્દેશ તેના વિશાળ ડિજિટલ ઇકોસિસ્ટમ પર રહેલાં જોખમને શોધવા, એનાલાઇઝ કરવું અને ત્યાર બાદ એને દૂર કરવા પર ફોકસ કરશે. એક રિપોર્ટ મુજબ સ્ટેટ દ્વારા સ્પોન્સર થયેલા હુમલામાં મુખ્ય ટાર્ગેટ તરીકે સરકારના નેટવર્ક્સને પસંદ કરવામાં આવતા હોવાથી આ પગલું લેવામાં આવી રહ્યું છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે સિસ્ટમ ઇન્ટિગ્રેટર પસંદ કરવા માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) જાહેર કરવામાં આવી છે.

પેટાબાઇટ લોગ એનાલિટિક્સ પ્લેટફોર્મ પર આધારિત હશે સિસ્ટમ
સરકાર દ્વારા જે સિસ્ટમ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે એ પેટાબાઇટ લોગ એનાલિટિક્સ પ્લેટફોર્મ પર આધારિત હશે. આ પ્લેટફોર્મ સરકારની ડિજિટલ સિસ્ટમ્સ દ્વારા ઉત્પન્ન થતા વિશાળ ડેટાને એકત્રિત અને પ્રોસેસ કરશે. 2 એપ્રિલે જાહેર થયેલા ટેન્ડર મુજબ આ પ્લેટફોર્મ ‘થ્રેટ હન્ટિંગ, હેલ્થ/પરફોર્મન્સ મોનિટરિંગ, તેમજ સાયબર હુમલા/ઇન્સિડન્ટ્સની ઓળખ અને નિયંત્રણ’ માટે કામ કરશે. એક પેટાબાઇટ એટલે દસ લાખ ગિગાબાઇટ અથવા એક ક્વાડ્રિલિયન બાઇટ્સ થાય છે.

એક કરતાં વધુ સિક્યોરિટી ટૂલ્સનો સમાવેશ
આ સાયબર ઇન્ટેલિજન્સ આર્કિટેક્ચર હેઠળ વિવિધ સિક્યોરિટી ટૂલ્સને એક જ સિસ્ટમમાં સમાવેશ કરવાની યોજના છે. તેમાં સિક્યોરિટી ઇન્ફોર્મેશન એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ (SIEM), સિક્યોરિટી ઓર્કેસ્ટ્રેશન ઓટોમેશન એન્ડ રિસ્પોન્સ (SOAR), યુઝર એન્ડ એન્ટિટી બિહેવિયર એનાલિટિક્સ (UEBA), અને નેટવર્ક ડિટેક્શન એન્ડ રિસ્પોન્સ (NDR)નો સમાવેશ થાય છે. તેનો ઉદ્દેશ સાયબર અટેક્સને ‘360-ડિગ્રી વ્યુ’ પૂરું પાડવાનો છે. આથી સાઇબર અટેકને વહેલી તકે શોધી એનું ઝડપી નિવારણ લાવવાનો છે.

સરકારી નેટવર્ક્સમાં કોન્ફિડેન્શિયલ માહિતી હોવાથી આ પહેલ જરૂરી
NICNET અને National Knowledge Network જેવા નેટવર્ક્સ દ્વારા મંત્રાલયો અને રાજ્યોમાં ચાલતી સેવાઓને સપોર્ટ કરવામાં આવે છે. આથી આ નેટવર્ક્સ સરકારના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી અને સંવેદનશીલતાને દર્શાવે છે. આ નેટવર્ક્સ સાયબર અટેક્સ માટે હાઇ વેલ્યુ ટાર્ગેટ હોવાને કારણે એને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. તેમ જ એને કેન્દ્ર દ્વારા મોનિટર કરવામાં આવશે. આથી એને વધુ સિક્યોર અને તરત એક્શન લઈ શકાય એવી બનાવી શકાય.

પ્લેટફોર્મ દ્વારા ઓટોમેટેડ રિસ્પોન્સ પણ શક્ય બનશે
આ સાયબર ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ફક્ત ખતરાઓ શોધશે નહીં, પરંતુ ઓટોમેટેડ રિસ્પોન્સ પણ આપશે. ઓટોમેટેડ સિસ્ટમ થ્રેટ ઇન્ટેલિજન્સ ફીડ્સ સાથે વધુ સારી રીતે કામ કરવાની ક્ષમતા આપશે, જે સાયબર અટેક સામે વધુ પાવરફુલ બનીને ફાઇટ કરશે. આ ટેન્ડરમાં ખૂબ જ ટાઇટ સિક્યોરિટી પર ભાર મૂકવામાં આવ્યો છે. એ તમામ મેલિશિયસ કોડ, છુપાયેલા ખતરાઓ અથવા નબળાઈઓથી મુક્ત હોવા જોઈએ અને સંવેદનશીલ ડેટાને ભારતના ડેટા સુરક્ષા કાયદા મુજબ એન્ક્રિપ્ટ અથવા સુરક્ષિત રાખવું જરૂરી રહેશે.















