
મોરબી : દર વર્ષે 14 એપ્રિલે ઉજવાતા ફાયર ડે તથા 14 થી 20 એપ્રિલ દરમિયાન ઉજવાતા ફાયર સર્વિસ વીક નિમિત્તે મોરબી ફાયર વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં લાગેલી આગ બુઝાવવા જતા 66 ફાયર જવાનો શહીદ થયા હતા, તેમની સ્મૃતિમાં આ સપ્તાહ ઉજવવામાં આવે છે.

મોરબી મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ જણાવ્યું હતું કે કેસરબાગ ફાયર સ્ટેશન ખાતે સવારે 8 વાગ્યે શહીદ ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે 6:30થી 7:30 દરમિયાન ફાયર વિભાગના વિવિધ વાહનોની ભવ્ય રેલી યોજાઈ હતી. રેલી કેસરબાગથી શરૂ થઈ ગેંડા સર્કલ, સર્કિટ હાઉસ, પાડા પુલ, મણી મંદિર, ઉમિયા સર્કલ, રવાપર ચોકડી માર્ગે બાપા સીતારામ ચોક ખાતે પૂર્ણ થઈ હતી.

બાપા સીતારામ ચોક ખાતે 27 મીટર ઊંચી ટર્ન ટેબલ લેડર મારફતે ફાયર જવાને તિરંગો લહેરાવી સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. ઉપરાંત, લોકોને જાગૃત કરવા માટે મિની ફાયર વાહન, બોટ, રેસ્ક્યુ ટેન્ડર, વોટર બાઉઝર સહિતના આધુનિક સાધનોનું લાઈવ ડેમો પણ આપવામાં આવ્યું હતું.

ફાયર વિભાગને વધુ મજબૂત બનાવવા આયોજન
મોરબી જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ફાયર વિભાગનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કુલ પાંચ નવા ફાયર સ્ટેશન શરૂ કરવાનું આયોજન છે. જેમાં સુલતાન શેરી ખાતે જૂના સ્ટેશનનું નવીનીકરણ, સર્કિટ હાઉસ નજીક જિલ્લાનું મોડેલ ફાયર સ્ટેશન, એસ.પી. રોડ, અમરેલી ડેમ વિસ્તાર તેમજ શનાળા ખાતે નવા ફાયર સ્ટેશનનો સમાવેશ થાય છે.

ફાયર વિભાગ પાસે હાલ 3 સ્પીડ બોટ, 2 નવા મિની ફાયર સ્ટેશન તથા અન્ય આધુનિક વાહનો ઉપલબ્ધ છે. વિભાગ દ્વારા 7 નવા વાહનો ઉમેરવામાં આવ્યા છે અને આગામી બજેટમાં રોબોટ સહિત વધુ આધુનિક સાધનો ખરીદવાની યોજના છે.

હાલમાં વિભાગમાં 21 જવાનો ફરજ બજાવી રહ્યા છે. આ જ મહિનામાં વધુ 30 નવા ફાયર જવાનોની ભરતી કરીને કામગીરીમાં જોડવામાં આવશે.
ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે આગ, અકસ્માત, પાણીમાં ડૂબવાના બનાવ, લિફ્ટમાં ફસાવા સહિત કોઈપણ ઇમરજન્સી સમયે નાગરિકો 101 નંબર પર 24 કલાક અને 365 દિવસ ટોલ ફ્રી સંપર્ક કરી શકે છે. મોરબી ફાયર વિભાગ દરેક પરિસ્થિતિમાં તાત્કાલિક સેવા આપવા સજ્જ છે.













