HomeAllચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કલેક્ટરે માળિયા વિસ્તારની સ્થળ...

ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કલેક્ટરે માળિયા વિસ્તારની સ્થળ મુલાકાત લઈ અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશ

મોરબી, તા. ૯ જુલાઈ: મોરબી જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં સ્થાનિક પ્રશ્નોના ત્વરિત અને અસરકારક નિરાકરણ લાવવાના જનહિત અભિગમ હેઠળ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ માળિયા તાલુકાના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ વિકાસલક્ષી અને પાયાની સુવિધાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરે મીઠા ઉદ્યોગો તેમજ સ્થાનિક નાના અગરિયાઓ માટે ઉપલબ્ધ સુવિધાઓનું સ્થળ પર નિરીક્ષણ કરી તેમની કામગીરી અને જરૂરી વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત, જુમાવાડી વિસ્તારમાં સ્થાનિક રહીશો અને માછીમાર પરિવારો સાથે સીધી મુલાકાત કરી તેમના રોજગાર, પાયાની સુવિધાઓ તથા સ્થાનિક સ્તરે ઉભા થતા પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં સર્જાતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કલેક્ટરે અસરગ્રસ્ત સ્થળોની સ્થળ પર મુલાકાત લીધી હતી. પાણીના નિકાલ માટે જરૂરી વ્યવસ્થાઓ, ડ્રેનેજ સુવિધા અને અન્ય ટેકનિકલ પાસાઓ અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સ્થળ પર જ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

કલેક્ટરે સંબંધિત વિભાગોને વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે જરૂરી આયોજન ઝડપી ગતિએ પૂર્ણ કરવા, સ્થાનિકોને ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પૂર્વ તૈયારી રાખવા તેમજ સંકલિત આયોજન દ્વારા કાયમી નિરાકરણ લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેવાડાના વિસ્તારોમાં લોકોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવાના પ્રયાસોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વિવિધ વિસ્તારોની નિયમિત સમીક્ષા અને જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments