
મોરબી, તા. ૯ જુલાઈ: મોરબી જિલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સરહદી સુરક્ષા, દરિયાઈ દેખરેખ અને વ્યાપારી પ્રવૃત્તિઓની અસરકારક કામગીરીની સમીક્ષા કરવા નવલખી પોર્ટ તથા સંવેદનશીલ ક્રિક (ખાડી) વિસ્તારની મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ પોર્ટ પર ચાલી રહેલી આર્થિક ગતિવિધિઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

કલેક્ટર સ્વપ્નિલ ખરેએ નવલખી પોર્ટ ખાતે હાલમાં લાંગરેલા અને કાર્યરત વિવિધ માલવાહક જહાજોમાં થઈ રહેલા માલસામાનના લોડિંગ-અનલોડિંગ સહિતના પરિવહન કાર્યોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે પોર્ટ પર અમલમાં રહેલી સુરક્ષા વ્યવસ્થા, શ્રમિકોની સલામતી માટે અપનાવવામાં આવતા ધોરણો, કાર્યસ્થળની સ્વચ્છતા તેમજ વિવિધ વહીવટી વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

ત્યારબાદ કલેક્ટરે નવલખી પંથકના સંવેદનશીલ ગણાતા ક્રિક વિસ્તારની પણ મુલાકાત લીધી હતી. ચોમાસાની ઋતુ દરમિયાન તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વ ધરાવતા આ દરિયાઈ પટ્ટામાં સુરક્ષા એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન જળવાઈ રહે અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખી શકાય તે માટે દરિયાઈ સુરક્ષા અને કોસ્ટલ પેટ્રોલિંગની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન પોર્ટ અને દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ સુદ્રઢ બનાવવા, વ્યાપારી ગતિવિધિઓ સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે ચાલુ રહે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સતત સતર્કતા જળવાઈ રહે તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી સુરક્ષા, પોર્ટ વ્યવસ્થાપન અને જાહેર સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વિવિધ વિભાગો વચ્ચે સુમેળભર્યા સંકલન સાથે કામગીરી કરવામાં આવી રહી હોવાનું આ મુલાકાત દરમિયાન સ્પષ્ટ થયું હતું.


























