HomeAllખેતરોમાં ઊભેલા જીવંત વીજપોલ બન્યા ખેડૂતો માટે મોતનો ખતરો

ખેતરોમાં ઊભેલા જીવંત વીજપોલ બન્યા ખેડૂતો માટે મોતનો ખતરો

ચોમાસામાં શોર્ટ સર્કિટ અને કરંટની આશંકા વચ્ચે સુરક્ષા માટે ખેડૂતોમાં ઉઠી કડક માંગ

મોરબી, તા. 08 જુલાઈ: ચોમાસાની શરૂઆત સાથે જ ખેડૂતો માટે વધુ એક ગંભીર સમસ્યા સામે આવી છે. માળિયા તાલુકાના જશાપર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની જમીનો વચ્ચે ખાનગી વીજ કંપનીઓના ઊંચા વીજપોલ અને જીવંત વીજલાઈનો પસાર થતી હોવાથી વરસાદી મોસમ દરમિયાન ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભારે વરસાદ દરમિયાન વીજલાઈનોમાં શોર્ટ સર્કિટ, ચિંગારીઓ અને કરંટ ઉતરવાની ઘટનાઓથી ખેડૂતોના જીવને જોખમ ઊભું થતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદી મોસમમાં ખેતરમાં ખેતીકામ, વાવણી, નિંદામણ અને અન્ય કૃષિ કામગીરી દરમિયાન જીવંત વીજલાઈનો નીચે કામ કરવું અત્યંત જોખમી બની જાય છે. અનેક સ્થળોએ વરસાદ દરમિયાન વીજલાઈનોમાંથી ચિંગારીઓ નીકળતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે કોઈપણ સમયે દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતીની જમીનોમાંથી વીજલાઈનો પસાર કરતી કંપનીઓએ માત્ર વીજ પુરવઠાની સુવિધા જ નહીં પરંતુ ખેડૂતોની સુરક્ષાની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. વરસાદી મોસમમાં જીવના જોખમે ખેતી કરવી પડે તેવી સ્થિતિ અસ્વીકાર્ય હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

ખેડૂતોએ સરકાર અને સંબંધિત વીજ કંપનીઓ સમક્ષ માંગ કરી છે કે ખેતીની જમીનોમાંથી પસાર થતી વીજલાઈનોનું તાત્કાલિક સુરક્ષા ઓડિટ કરવામાં આવે, જોખમી વીજપોલ અને લાઈનોનું સમારકામ કરવામાં આવે તેમજ ખેડૂતોના જીવનની સુરક્ષા માટે સ્પષ્ટ અને અસરકારક સુરક્ષા નીતિ અમલમાં મૂકવામાં આવે.

ખેડૂતોનું માનવું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. તેથી સરકાર અને વીજ કંપનીઓએ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરી ખેડૂતોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી બની છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments