
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈથેનોલ મિશ્રિત ઇંધણ(E20)ને લઈને થઈ રહેલી ટીકાઓને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, E20 પેટ્રોલ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરાયેલું, સુરક્ષિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત ઇંધણ છે. તેમણે આરોપ કર્યો હતો કે E85 ઇંધણ માટે અનુકૂળ વાહનોની શરૂઆત પછી ઈથેનોલ મિશ્રિત ઇંધણ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન તેજ થઈ ગયું છે.

તેમણે દાવો કર્યો હતો કે 5 જૂનના રોજ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે E85 ઇંધણ લોન્ચ કરવામાં આવ્યા બાદ આ પ્રકારની ટીકાઓ વધવા લાગી છે. તેમણે આ પગલાંને ભારતની આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું હતું.

ઈથેનોલ વિરુદ્ધ ડર ફેલાવવાની પેટર્ન
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ પણ કહ્યું કે- : દેશ અને ખેડૂતો માટે ઈથેનોલના ફાયદા

મંત્રીએ આગળ ઉમેર્યું કે, ‘પેટ્રોલમાં ભેળવવામાં આવતું પ્રતિ લીટર ઈથેનોલ ક્રૂડ ઓઇલની આયાત ઘટાડે છે, ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવે છે, વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે, ખેડૂતોની આવક વધારે છે અને વિદેશી હૂંડિયામણની બચત કરે છે’. કેન્દ્રીય મંત્રીએ E20 ને વ્યાપક રીતે પરીક્ષણ કરાયેલું, વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત, આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય અને સંપૂર્ણ સુરક્ષિત ઇંધણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઈથેનોલ બ્લેન્ડિંગ (મિશ્રણ) પ્રોગ્રામે દેશના ‘અન્નદાતા’ ખેડૂતોને ‘ઊર્જાદાતા’ બનાવવાનું કામ કર્યું છે, કારણ કે તેનાથી ખેડૂતોને આવકનો એક વધારાનો સ્ત્રોત મળ્યો છે.

વૈશ્વિક જોખમો સામે ભારત મજબૂત બનશે
તેમણે એ પણ જણાવ્યું કે ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામની શરૂઆત અગાઉની કોંગ્રેસ સરકારના સમયગાળા દરમિયાન થઈ હતી. આવી સ્થિતિમાં હવે તેના ઝડપી વિસ્તારનો વિરોધ રાજકીય કારણોથી પ્રેરિત હોય તેવું લાગે છે. હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર, આ પ્રોગ્રામ માત્ર ભારતની આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા જ નથી ઘટાડતો, પરંતુ દેશને ભૂ-રાજકીય તણાવ અને વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતોમાં થતી અસ્થિરતાથી થનારા જોખમો સામે પણ વધુ મજબૂત બનાવે છે.



















