
દેશમાં વન નેશન, વન ઇલેકશનની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને આ અંગે સંયુકત સંસદીય કમીટી પણ તેમનો રીપોર્ટ આખરી તબકકામાં છે તે સમયે કમીટીના ચેરમેન સાંસદ પી.પી.ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે આ અંગે ચૂંટણી પંચ સાથે પણ ચર્ચા કરી છે.

હવે આખરી પ્લાન ચૂંટણી પંચ સમક્ષ મુકશું તેઓએ જણાવ્યું કે પંચે અગાઉ જ સ્પષ્ટ કર્યુ છે કે તે દેશભરમાં સંસદ અને તમામ ધારાસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવા માટે સજજ છે. ફકત તે માટે ચૂંટણી પંચને છ માસનો સમય આપવાનો રહેશે અને તેથી જો સંસદ ર0ર8માં આ ખરડો મંજૂર કરે તો ર0ર9માં જે લોકસભા ચૂંટણીઓ યોજાવાની છે તે નિયત સમયે જ એટલે કે મે-જુન માસમાં જ યોજી શકાય અને તેની સાથે તમામ રાજયોની ધારાસભા ચૂંટણીઓ પણ પંચ યોજવા તૈયાર હશે.

ચૂંટણી પંચે આ અંગે પોતાની તરફથી જે કંઇ આવશ્યકતા છે તે સરકાર સમક્ષ પણ મુકી દીધી છે. દેશભરમાં દરેક મતદાન મથક ઉપર લોકસભા અને રાજયોની ધારાસભા ચૂંટણીના ઇવીએમ એક સાથે જ હશે અને મતદારને એક જ સમયે બે-બે મતો આપવાનો અધિકાર રહેશે અને તે માટે દરેક મતદાન મથક ઉપર પુરતો સ્ટાફ પણ ચૂંટણી પંચ ઉપલબ્ધ બનાવશે.

આ અંગે પંચે પોતાની બ્લુ પ્રિન્ટ તૈયાર રાખી છે અને એક વખત સંસદમાં ખરડો મંજૂર થાય અને સરકાર તે નોટીફાય કરે કે તુર્ત જ પંચ તે અંગેનું શેડયુલ પણ બનાવશે. મોટા ભાગે સમગ્ર ચૂંટણીનું શેડયુલ પણ અત્યંત ટુંકુ હશે અને તેના કારણે સમગ્ર ચૂંટણીનો ખર્ચ પણ ઘટશે.

દરેક રાજકીય પક્ષોને પ્રચાર માટે પુરતો સમય મળી રહે તે પણ જોવાશે. આમ સરકાર અને ચૂંટણી પંચ બંને ર0ર8ના અંતથી ચૂંટણી માટેની તૈયારીઓમાં વ્યસ્ત થઇ જશે. આ અંગે કમીટી દ્વારા સરકારને આ વર્ષના અંતમાં રીપોર્ટ સોંપાય તેવી ધારણા છે.




















