
મોરબી, તા. 16 જુલાઈ: મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે સાંજના સમયે મહાનગરપાલિકાની નવી બિલ્ડિંગ ખાતે યોજાઈ હતી. અંદાજે બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહીની નોંધને બહાલી આપવામાં આવી હતી તેમજ શહેરના વિકાસ, પ્રાથમિક સુવિધાઓ અને વિવિધ વહીવટી કાર્યોને લગતા અનેક ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન અંદાજે રૂ. 1 કરોડ જેટલા બિલોની ચુકવણીને પણ મંજૂરી આપવામાં આવી હતી.

બેઠકમાં મહાનગરપાલિકા દ્વારા ઈ-વેસ્ટની હરાજીમાં પ્રાપ્ત થયેલા ભાવોને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત તા. 2 જુલાઈથી 15 જુલાઈ, 2026 દરમિયાન નોંધાયેલા ફાયર કોલ રિપોર્ટને પણ બહાલી આપવામાં આવી હતી. શહેરના પાણી પુરવઠાને મજબૂત બનાવવા મચ્છુ-2 ડેમ ખાતે 150 MLD ક્ષમતાનો ઇન્ટેક વેલ બનાવવાના કામ તેમજ ગ્રામપંચાયતના પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M)ના કામને મંજૂરી આપવામાં આવી હતી.

નાણાકીય બાબતોમાં પ્રભાત એન્જિનિયરિંગના ચાર બકેટના પેમેન્ટ પેટે રૂ. 40 લાખની ચુકવણી મંજૂર કરવામાં આવી હતી. ઉપરાંત અપસ્ટ્રીમ બ્રિજના ડિઝાઇન વેરિફિકેશન માટે કન્સલ્ટન્ટની નિમણૂકને બહાલી આપવામાં આવી હતી.

શહેરમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવા માટે થતા ખોદકામ બાદ રોડ રિસ્ટોરેશન માટે અન્ય મહાનગરપાલિકાઓની કામગીરી સાથે સરખામણી કરીને દર નક્કી કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ શહેરના તમામ 1થી 13 વોર્ડમાં જીવીપી અને હેન્ડકાર્ટ પોઈન્ટ પરથી કચરા સંગ્રહની કામગીરીના બાકી બિલમાંથી બે બિલ પેટે રૂ. 60 લાખની ચુકવણીને પણ મંજૂરી આપવામાં આવી હતી.

શહેરના બ્યુટિફિકેશન અંતર્ગત શક્ત શનાળા તળાવને બદલે પ્રથમ તબક્કામાં રવાપર-ઘુનડા રોડ પર આવેલા તળાવના વિકાસની દરખાસ્ત રજૂ થઈ હતી, પરંતુ સમિતિએ આ દરખાસ્ત નામંજૂર કરી હતી.

નંદીઘર માટે જરૂરી સુવિધાઓ તથા ઘાસચારા માટે ઇમરજન્સી વ્યવસ્થા ઉભી કરવા ફંડ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે નંદીઘરની ક્ષમતા મુજબ જ પશુઓ રાખી વધારાના નંદીઓને જરૂરિયાત મુજબ અન્ય સ્થળોએ ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં અંદાજે 100 જેટલા નંદીઓને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

બેઠક દરમિયાન કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. તેમાં કંડલા બાયપાસ રોડ પર આવેલી 608 IHSDP આવાસ યોજનાના નગરપાલિકા સમયથી અધૂરા રહેલા કામો, મહાનગરપાલિકાની અધૂરી બિલ્ડિંગના વધારાના ખર્ચ તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં હિતાંચી અને ક્રેન ડ્રાઇવર સાથે સપ્લાય કરવાની કામગીરી માટેના સુધારા ઠરાવ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓ પર આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ એજન્ડાના તમામ મુદ્દાઓની કાર્યવાહી પૂર્ણ થઈ હતી. જોકે અધ્યક્ષ સ્થાનેથી સભ્યોની રજૂઆતો લેવામાં આવે તે પહેલાં જ મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી બેઠકમાંથી નીકળી ગયા હતા. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાએ જણાવ્યું હતું કે, કમિશનરે અધ્યક્ષ સ્થાનેથી રજૂ થનારી તમામ રજૂઆતો લેખિતમાં આપવા જણાવ્યું છે, જેથી તેના આધારે આગળની કાર્યવાહી અને ચર્ચા હાથ ધરી શકાય.

















