
મોરબીમાં અષાઢી બીજના પાવન અવસરે માલધારી સમાજની આસ્થાના પ્રતીક સમાન મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લાની સાથે-સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

રથયાત્રા મચ્છુ માતાજીના મંદિરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ દરમિયાન રથયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરના માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવો દ્રશ્યમાન માહોલ સર્જાયો હતો. આ ભવ્ય શોભાયાત્રામાં વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પણ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી.

યાત્રા દરમિયાન યુવક-યુવતીઓએ પરંપરાગત રાસ-ગરબા અને હુડા રાસની રમઝટ બોલાવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉત્સાહ અને ભક્તિભાવ સાથે નીકળેલી આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ પૂર્ણ કરી મચ્છુ માતાજીના કોઠે પહોંચીને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.






















