HomeAllગુજરાત ગેસના એમડી સાથે બેઠક સફળ : મોરબી સિરામિક ઉદ્યોગોને એકસમાન ભાવે...

ગુજરાત ગેસના એમડી સાથે બેઠક સફળ : મોરબી સિરામિક ઉદ્યોગોને એકસમાન ભાવે ગેસ મળશે, વેટ ઘટાડા માટે સરકાર સમક્ષ રજૂઆત થશે

મોરબી : છેલ્લા દોઢેક મહિનાથી ગેસ સપ્લાય બંધ રહેતા શટડાઉન થયેલા મોરબીના સિરામિક ઉદ્યોગોને હવે રાહત મળવાની શક્યતા ઉભી થઈ છે.

ગુજરાત ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકાસિંહ ઓલખ સાથે ગુરુવારે ગાંધીનગર ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક હકારાત્મક રહી હતી. બેઠકમાં તમામ ઉદ્યોગોને એકસમાન ભાવે નેચરલ ગેસ સપ્લાય આપવા સહમતી નોંધાઈ હતી.
મધ્યપૂર્વમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાતા પેટ્રોલિયમ પેદાશોની અછતને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ ઉદ્યોગો સહિત મોરબીના સિરામિક ઉદ્યોગોને ગેસ સપ્લાય સ્થગિત કરવામાં આવ્યો હતો. પરિણામે મોરબીના અનેક સિરામિક એકમો છેલ્લા એકથી દોઢ મહિનાથી બંધ હાલતમાં હતા.

હાલ પરિસ્થિતિ સામાન્ય બનતા ઉદ્યોગો માટે ગેસ સપ્લાય ફરી શરૂ કરવામાં આવી છે. જોકે ગુજરાત ગેસ કંપનીએ નિયમિત ગ્રાહકો માટે અલગ અને પ્રોપેન-એલપીજી વાપરતા ઉદ્યોગો માટે ઊંચા દરે ગેસ આપવાનો નિર્ણય કરતા ઉદ્યોગકારોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ મુદ્દે ઉદ્યોગકારોએ ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆતો કરી હતી.

ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, નિલેશભાઈ જેતપરિયા, પરેશભાઈ કુંડારીયા, ગૌતમભાઈ કાંજીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગેસના ભાવમાં રાહત તેમજ તમામ ઉદ્યોગોને સમાન દરે નેચરલ ગેસ આપવા નિર્ણય લેવાયો હતો.

ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, ગેસના દરમાં વધુ રાહત મળે તે માટે હવે રાજ્ય સરકાર સમક્ષ વેટના દર ઘટાડવા રજૂઆત કરવામાં આવશે. જો જરૂરી રાહત મળશે તો આગામી તા. 1લી મેથી મોટાભાગના સિરામિક ઉદ્યોગો ફરી શરૂ થઈ જશે.

શ્રમિકો પરત ફરતા ઉદ્યોગો ફરી ગતિમાન બનશે
મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે નવા ગેસ દર આવતીકાલથી અમલમાં આવશે. મોટા ભાગના ઉદ્યોગકારોએ એકમો શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે વતનમાં ગયેલા શ્રમિકો હજુ પરત ફરવાના બાકી હોવાથી આગામી 15થી 20 દિવસમાં શ્રમિકો પરત ફરતા સિરામિક ઉદ્યોગો સંપૂર્ણ રીતે ધમધમતા થઈ જશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments