
(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) દિવ્યક્રાંતિ ન્યુઝ, મોરબી, તા. 27 જૂન: જેતપર ખાતે ચાલી રહેલી ગુજરાત ખેડૂત ઉપવાસ છાવણીને સમર્થન આપવા માટે આવતીકાલે તા. 28 જૂન, રવિવારના રોજ મહિલાઓ દ્વારા ભવ્ય “એક્ટિવા મહિલા રેલી”નું આયોજન કરવામાં આવ્યું છે. “જય જવાન, જય કિસાન” અને “નારી શક્તિ જિંદાબાદ”ના ગગનભેદી નારા સાથે યોજાનારી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાશે.
આ રેલી બપોરે 3:00 કલાકે મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલ સરદાર સ્ટેચ્યુ પાસેથી પ્રસ્થાન કરશે.

ત્યારબાદ બપોરે 4:00 કલાકે મહેન્દ્રનગર ચોકડી ખાતે પહોંચી વધુ મહિલાઓ જોડાશે અને ત્યારબાદ સાંજે 5:00 કલાકે જેતપર ખાતે આવેલી ગુજરાત ખેડૂત ઉપવાસ છાવણીમાં પહોંચી ખેડૂતોને સમર્થન વ્યક્ત કરશે.
આયોજકો દ્વારા મોરબી તેમજ આસપાસના વિસ્તારોની તમામ બહેનોને મોટી સંખ્યામાં એક્ટિવા સાથે રેલીમાં જોડાઈ ખેડૂતોના ન્યાયસંગત આંદોલનને સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા મુજબ હજારો મહિલાઓની ઉપસ્થિતિ સાથે આ રેલી ખેડૂતોના સમર્થનમાં એકતા અને નારી શક્તિનું પ્રતીક બનશે.
































