HomeAllગુજરાતભરના ખેડૂતો પાસેથી અભિપ્રાય મંગાવવાની હાંકલ, જેતપરમાં જિલ્લાવાર બેઠકો સાથે ખેડૂત આંદોલન...

ગુજરાતભરના ખેડૂતો પાસેથી અભિપ્રાય મંગાવવાની હાંકલ, જેતપરમાં જિલ્લાવાર બેઠકો સાથે ખેડૂત આંદોલન ‘પાર્ટ-3’ની વ્યૂહરચના ઘડાશે

મોરબી, તા. 7 જુલાઈ: જેતપર ખાતે વીજલાઈનના વળતરના મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનના 19મા દિવસે આમરણાંત ઉપવાસ પૂર્ણ કરાવવામાં આવ્યો હતો. જોકે ખેડૂત સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ઉપવાસ સમાપ્ત થયો છે, આંદોલન યથાવત્ રહેશે. સાથે જ સમગ્ર ગુજરાતના ગામડાઓમાં બેઠકો યોજી સરકારે જાહેર કરેલા વળતર સુધારા ખેડૂતોને મંજૂર છે કે નહીં તે અંગે લેખિત અભિપ્રાય મંગાવવાની હાંકલ કરવામાં આવી છે. આ અભિપ્રાયના આધારે જિલ્લાવાર બેઠકો યોજી ખેડૂત આંદોલન ‘પાર્ટ-3’ની આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.

જેતપર ગામે વીજલાઈનના વળતરના પ્રશ્ને ખેડૂતો દ્વારા શરૂઆતમાં બે સ્થળોએ ચક્કાજામ કરીને લડતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગાંધીનગર કુચ સ્વરૂપે શરૂ કરાયેલ આંદોલનના પ્રથમ તબક્કા બાદ જેતપરના ખેડૂતોએ સ્વતંત્ર રીતે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. આંદોલનને સમગ્ર રાજ્યમાંથી ખેડૂતોનું વ્યાપક સમર્થન મળતાં સરકારે વળતરમાં વધારો જાહેર કર્યો હતો. જોકે ખેડૂત સમિતિની મુખ્ય માંગણીઓ મુજબ સુધારા જાહેર ન થતાં આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આંદોલનના 19મા દિવસે દામજી ભગત અને ગામની દીકરીઓના હસ્તે ઉપવાસીઓના પારણા કરાવવામાં આવ્યા હતા. પારણા કરનાર ઉપવાસીઓમાં મહંત કૈલાશગીરી ગુરુ મહાદેવગીરી, રાકેશભાઈ શીવલાલ અમૃતિયા (કારુકાકા), નેહુલભાઈ ધીરજલાલ અમૃતિયા, રામજીભાઈ નાનજીભાઈ ભાડજા, નિલેષભાઈ પ્રાણજીવનભાઈ અઘારા, મહેશભાઈ ચતુરભાઈ મારવણીયા (વાંકીયા), અરવિંદભાઈ રામજીભાઈ અઘારા તથા વલ્લભભાઈ ડાયાલાલ અઘારાનો સમાવેશ થાય છે.

ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ ગામોમાં ખેડૂતોની બેઠકો યોજી સરકારે જાહેર કરેલા વળતર સુધારા અંગે નિર્ણય લેવામાં આવે અને તેનો લેખિત અભિપ્રાય નિયત ફોર્મેટમાં ખેડૂત સમિતિને મોકલવામાં આવે. ત્યારબાદ જિલ્લાવાર ખેડૂતોને જેતપર ખાતે આમંત્રિત કરીને તેમની સાથે બેઠક યોજાશે અને તેના આધારે આંદોલનના ત્રીજા તબક્કાની વ્યૂહરચના ઘડવામાં આવશે.

ખેડૂત આગેવાન રાજુભાઈએ જણાવ્યું હતું કે આંદોલન ‘પાર્ટ-3’ના આયોજન અને આગામી કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવા માટે 8 જુલાઈ, બુધવારના રોજ જેતપરની રામવાડી ખાતે પ્રથમ બેઠક યોજાશે. આ બેઠકમાં મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરશે.

ત્યારબાદ બીજા તબક્કાની બેઠક 9 જુલાઈ, ગુરુવારના રોજ રાત્રે 9:00 વાગ્યે જેતપરની રામવાડી ખાતે યોજાશે. આ બેઠકમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના આગેવાનો તથા ખેડૂત પ્રતિનિધિઓ ભાગ લેશે. બંને બેઠકોમાં રાજ્યભરના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને ખેડૂત આંદોલન ‘પાર્ટ-3’ને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments