
હાલ ઉનાળાના અંતિમ ચરણમાં ગુજરાતમાં હજુ વિધિવત રીતે ચોમાસું બેઠું પણ નથી, તેવા સમયે છેલ્લા 1-2 દિવસોમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારતમાં કેરળમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ મોટું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ મામલે હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ આગાહી કરી છે. જે અનુસાર આગામી 10-11 જૂને ચોમાસું મુંબઈમાં પહોંચી શકે છે અને 13 જૂનની આસપાસ પણ વરસાદ માટે અનુકૂળ સ્થિતિ સર્જાશે, જે બાદ આગામી 23 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થશે.

કેરળ બાદ હવે ગુજરાતમાં મેઘરાજા ક્યારે પધરામણી કરશે એની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાના આગમનની પ્રબળ શક્યતાઓ 20 જૂન બાદ જ જોવા મળી રહી છે. આગામી 10-11 જૂને ચોમાસું મુંબઈ સુધી પહોંચવાની સંભાવના છે.

અથ્રેયાએ વધુમાં ઉમેર્યું કે, 23 જૂન આસપાસ ચોમાસું ગુજરાત પહોંચે એવી વધુ પડતી સંભાવના છે. પરંતુ જો અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં જો અનુકૂળ સ્થિતિ સર્જાશે, તો બની શકે કે 13 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે. જોકે, આ પ્રકારની શક્યતા અત્યંત નહીંવત હોવાની પણ સ્પષ્ટતા અથ્રેયાએ કરી છે. પરંતુ ગુજરાતમાં આગમન માટે ચોમાસું 2-2 ટ્રાય કરશે તેવું અથ્રેયા શેટ્ટીના અનુમાન મુજબ જણાઈ રહ્યું છે.(Photo: ગઈકાલે મહિસાગરમાં વાવાઝોડું)

એકંદરે હવામાન નિષ્ણાત અથ્રેયાના અનુમાન પ્રમાણે 23 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. જોકે, જો 13 જૂને સિસ્ટમ અનુકૂળ રહેશે તો પણ વધારે મજબૂતાઈ સાથે એન્ટ્રી નહીં થાય. જોકે આ આગાહી વચ્ચે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું ન બેઠું હોવા છતાં ઘણા વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો.

નોંધનીય છે કે, મહીસાગર કડાણામાં ગઈકાલે મીની વાવાઝોડું ત્રાટક્યું હતું. જેમાં બાઈક અને મીની ટેમ્પો સહિતના વાહનો ભારે પવનને કારણે હવામાં ઉડી નીચે પટકાયા હતા. તોફાની પવનમાં ભારે ભરખમ વાહનો ફંગોળાઈ ગયા હતા અને બાઈક જેવા ટુ-વ્હિલર વાહનોનો રીતસરના હવામાં ઉડી દૂર જઈને પટકાતા જોવા મળ્યા હતા. જ્યારે અન્ય મોટા વાહનો પણ રોડ પર ઊંધા વળ્યા હતા. ભારે પવન ફૂંકાવાના કારણે શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી અને વાહન વ્યવહાર પર અસર પડી હતી.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. બીજી તરફ હાલ ચોમાસાને આગળ વધવા માટે પરિબળો ખૂબ જ સાનુકૂળ છે. બીજી તરફ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે, 10મી જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા સેવવામાં આવી છે. હાલ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે.






















