ગાજવીજ સાથે વરસાદ અને 30-40 કિમી પવનની શક્યતા — નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અંગે સાવચેત રહેવાની સલાહ

સમાચાર : હવામાન વિભાગે આજે ગુજરાત માટે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ, વીજળીના ચમકારા અને 30-40 કિમી પ્રતિ કલાકે પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડા જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ માટે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત થઈ છે.

IMD મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે અને નદી-નાળાઓમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની સંભાવના છે.

હવામાન વિભાગે લોકોને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની, વીજળીના ચમકારા સમયે ખુલ્લા મેદાનોમાં ન જવાની, નદી-નાળાઓથી દૂર રહેવાની અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે. ખેડૂતોને હવામાન અનુમાનને આધારે ખેતી સંબંધિત કામગીરીનું આયોજન કરવા જણાવાયું છે.

સાત દિવસના અનુમાન મુજબ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે અને કેટલાક જિલ્લાઓ માટે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.


















