
મોરબી : મોરબી તથા આસપાસના વિસ્તારમાં નોંધાયેલા ભારે વરસાદને પગલે મચ્છુ-2 ડેમમાં પાણીની આવકમાં જોરદાર વધારો થયો છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા પાણીની સપાટી નિયંત્રિત કરવા માટે ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે અને અંદાજે 49 હજાર ક્યૂસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે.

ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીના વધતા પ્રવાહને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મચ્છુ નદીના કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારો માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા મોરબી શહેર ઉપરાંત નદીકાંઠાના 29 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા સહિતના ગામોના લોકોને સતર્ક રહેવા અને જરૂર જણાય તો સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.

મચ્છુ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી નદીકાંઠા તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીના પટમાં કે પાણીના પ્રવાહવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.





















