HomeAllમચ્છુ-3ના પાણીમાં ફીણ કેમિકલથી નહીં: ગટરના પાણીમાં રહેલા ડિટર્જન્ટને કારણભૂત ગણાવતું તંત્ર

મચ્છુ-3ના પાણીમાં ફીણ કેમિકલથી નહીં: ગટરના પાણીમાં રહેલા ડિટર્જન્ટને કારણભૂત ગણાવતું તંત્ર

મહેન્દ્રનગર STP કાર્યરત ન હોવાથી ગંદુ પાણી સીધું પ્રવાહમાં ભળે છે – બેઠા પુલ નીચેના ગરનાળા મારફતે શહેરનું ગટર વહે છે

મોરબી : મચ્છુ-3 ડેમમાંથી છોડાયેલા પાણીમાં જે ફીણ દેખાયું હતું, તે રાસાયણિક નિકાલના કારણે નથી હોવાનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની તપાસમાં સામે આવ્યું છે. ચોમાસામાં વરસાદી પાણી સાથે ઘરગથ્થુ ગટર ભળતાં અને તેમાં રહેલા ડિટર્જન્ટને પાણીની પછડાટ મળે ત્યારે ફીણ બને છે, એમ જીપીસીબીના અધિકારી સંજય માલસાતરે જણાવ્યું.

સંજય માલસાતરના જણાવ્યા મુજબ, પાણી ચેકડેમ કે ઊંચાઈ પરથી નીચે પડે ત્યારે પછડાટથી ડિટર્જન્ટવાળા તત્ત્વો મોટા પ્રમાણમાં ફીણ પેદા કરે છે. ડેમ પાસે આવેલી વેલને કારણે આ ફીણ આગળ વહી શકતું નથી અને એકઠું થઈ મોટા બબુલા અથવા ઢગલા જેવો આકાર લઈ લે છે.

તપાસ દરમ્યાન મહેન્દ્રનગર ખાતે આવેલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ની મુલાકાતમાં કોઈ ટ્રીટમેન્ટ ચાલુ ન હોવું સામે આવ્યું. પરિણામે ડિટર્જન્ટવાળું ગંદુ પાણી સીધું જ પ્રવાહમાં ભળી રહ્યું હોવાનું નોંધાયું. બેઠા પુલ નીચે આવેલા મોટા ગરનાળાથી પણ મોરબી શહેરનું ગટરનું પાણી સીધેસીધું વહે છે.

આ સમગ્ર તપાસનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરી મોરબી કલેક્ટરને ટેલિફોનિક તેમજ સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે. રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે કે ફીણ માટે કોઈ કેમિકલયુક્ત પાણી જવાબદાર નથી; ડિટર્જન્ટ અને પાણીની પછડાટથી જ આ પરિસ્થિતિ સર્જાઈ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments