
દક્ષિણ: ગુજરાતને મેઘરાજાએ ધરવી દીધું; સિઝનનો 91.35 ટકા વરસાદ પડી ગયો : રાજકોટ, તા.1 ગુજરાતમાં બીજા રાઉન્ડમાં મેઘરાજાએ સારો-વ્યાપક વરસાદ વરસાવ્યો છે અને આ સાથે સિઝનનો કુલ વરસાદ 65 ટકા થઇ ગયો છે. મહત્વની વાત એ છે કે ચોમાસાના પ્રથમ મહિના એવા જુનની સરખામણીએ જુલાઇનો વરસાદ 15 ગણો વધુ રહ્યો છે. રાજ્ય સરકારના સતાવાર આંકડાકીય રીપોર્ટ પ્રમાણે આજે સવારે 6 વાગ્યે પુરા થયેલા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 255 તાલુકામાં વરસાદ હતો. રાજ્યનો સિઝનનો કુલ વરસાદ 64.76 ટકા થયો છે. સિઝનમાં 908.88 મીમી પાણી વરસતું હોય છે તેની સરખામણીએ આજ સુધીમાં 588.56 મીમી પાણી વરસી ગયું છે.

રાજ્યના કોઇપણ ભાગ કોરા કે વરસાદ વિનાના નથી. માત્ર ત્રણ તાલુકામાં ઓછો-બે ઇંચ-વરસાદ છે. બાકી 13 તાલુકામાં બે થી પાંચ ઇંચ વરસાદ છે. 33 તાલુકામાં 5 થી 10 ઇંચ, 66 તાલુકામાં 20થી 40 ઇંચ તથા 35 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જુલાઇ મહિનાના વરસાદ પર નજર કરવામાં આવે તો 553.35 મીમી (22 ઇંચ) વરસાદ નોંધાયો છે.

જે જુન મહિનાની સરખામણીએ 15 ગણો વધુ છે. જુન મહિનામાં માત્ર 35.21 મીમી પાણી વરસ્યું હતું. જુલાઇમાં સાર્વત્રિક વરસાદના બે રાઉન્ડ નોંધાયા છે. મહિનાની શરૂઆતમાં પ્રથમ પખવાડિયામાં તથા આખરી દિવસોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના ડીસ્ટ્રીબ્યુશનમાં પણ મોટો તફાવત જોવા મળ્યો હતો.

દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘરથી દીધુ હોય તેમ બન્ને રાઉન્ડમાં અનરાધાર વરસાદ વરસાવ્યો હતો. પરિણામે દક્ષિણ ગુજરાત ઝોનમાં સિઝનનો વરસાદ 91.35 ટકા થઇ ગયો છે. બીજા રાઉન્ડમાં મધ્ય ગુજરાતની ખાદ્ય પણ ઘણા અંશે સરભર કરી દીધી હતી પરિણામે મધ્ય ઝોનમાં પણ સિઝનનો વરસાદ 62.16 ટકા થઇ ગયો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં આ આંકડો 48.81 ટકા છે. અર્થાત દક્ષિણ ગુજરાત કરતાં અર્ધો વરસાદ જ થયો છે.

ઉત્તર ગુજરાત ઝોનમાં 46.76 ટકા તથા કચ્છ ઝોનમાં 20.67 ટકા છે. ભારત પર અલ-નીનોને કારણે ચોમાસાનો વરસાદ અસ્તવ્યસ્ત થવાની આગાહી અગાઉથી જ હવામાન વિભાગે કરી દીધી હતી. ચોમાસાનો પ્રારંભિક વરસાદ પ્રમાણમાં ઓછો રહેતા સરકારથી માંડીને તમામ વર્ગ ચિંતિત હતા. બે રાઉન્ડના વરસાદે ચિંતા ઘણી હળવી કરી છે. હવે ઓગસ્ટ-સપ્ટેમ્બરના બાકીના બે મહિનાના વરસાદ પર નજર રહેવાનું સ્પષ્ટ છે. ઓગસ્ટમાં ચોમાસુ નબળુ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.




















