નવી એપોઇન્ટમેન્ટ બુકિંગ અને અગાઉની એપોઇન્ટમેન્ટ રિશેડ્યૂલ કરવાની સુવિધા મળશે

માહિતી મોરબી, 12 ઓક્ટોબર, 2026: નાગરિકોને પાસપોર્ટ સેવાઓ સરળતાથી અને નજીકના સ્થળે ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિદેશ મંત્રાલયની લોકઉપયોગી પહેલ અંતર્ગત પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય, અમદાવાદ દ્વારા મોરબી જિલ્લામાં ‘પાસપોર્ટ સેવા મોબાઇલ વાન’ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ મોબાઇલ વાન આગામી તા. 14થી 16 ઓક્ટોબર, 2026 દરમિયાન મોરબીના શોભેશ્વર રોડ પર આવેલી જિલ્લા સેવા સદન સ્થિત કલેક્ટર કચેરીના જિલ્લા ઇમરજન્સી ઓપરેશનલ સેન્ટર (DEOC) બિલ્ડિંગ ખાતે કાર્યરત રહેશે.

આ સુવિધા હેઠળ પાસપોર્ટ માટે અરજી કરવા ઇચ્છુક નાગરિકો નવી એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે તેમજ અગાઉથી બુક કરાવેલી એપોઇન્ટમેન્ટને રિશેડ્યૂલ પણ કરી શકશે. આ પહેલથી મોરબી જિલ્લાના અરજદારોને પાસપોર્ટ સંબંધિત પ્રક્રિયા માટે વધુ સુગમતા મળશે.

એપોઇન્ટમેન્ટ બુક કરવાની પ્રક્રિયા

અરજદારોએ સૌપ્રથમ પાસપોર્ટ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટ https://www.passportindia.gov.in/ પર જઈને NORMAL કેટેગરી હેઠળ પાસપોર્ટ અરજી સબમિટ કરવાની રહેશે અને ઓનલાઇન અરજી ફીની ચુકવણી કરવાની રહેશે. ત્યારબાદ ફરીથી લોગિન કરીને પેમેન્ટ સ્ટેટસ ચકાસવાનું રહેશે. ત્યાર પછી ‘Schedule Appointment’ પેજ પર જઈને લોકેશન તરીકે ‘Mobile Van Morbi’ પસંદ કરી પોતાની અનુકૂળતા મુજબ એપોઇન્ટમેન્ટ બુક કરી શકાશે.

જરૂરી દસ્તાવેજો સાથે લાવવા અનિવાર્ય

પાસપોર્ટ અરજી સબમિટ કરવા આવતી વખતે અરજદારોએ તમામ જરૂરી અસલ દસ્તાવેજો સાથે તેમની એક સેટ સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ નકલો પણ સાથે લાવવાની રહેશે. અરજી માટે જરૂરી દસ્તાવેજો અને પાત્રતા અંગેની વિસ્તૃત માહિતી પાસપોર્ટ ઇન્ડિયાની વેબસાઇટ પર ઉપલબ્ધ ‘Documents Advisory’ વિભાગમાંથી મેળવી શકાશે.

મોરબી જિલ્લાના નાગરિકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અને જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




















