
12 ઓક્ટોબર, મોરબી: રવાપર-ઘુનડા રોડ પર અજય લોરિયાના સંચાલનમાં યોજાઈ રહેલા પાટીદાર નવરાત્રિ મહોત્સવ-2026માં નવરાત્રિના પ્રથમ નોરતેથી જ શહીદ જવાનોના પરિવારોના સન્માન અને સહાયનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. મહોત્સવના પ્રથમ દિવસે હરિયાણાના શહીદ જવાન તરુણ ભારદ્વાજ અને ઉત્તર પ્રદેશના શહીદ જવાન અશોક કુમારના પરિવારોને આમંત્રિત કરી પ્રત્યેક પરિવારને રૂ. 1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આમ, પ્રથમ નોરતે બંને શહીદ પરિવારોને કુલ રૂ. 2 લાખની આર્થિક સહાય અર્પણ કરી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય પૂરી પાડવાના ઉમદા હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી છે. પાટીદાર નવરાત્રિ મહોત્સવ-2026 દરમિયાન સતત નવ દિવસ સુધી દરરોજ શહીદ જવાનોના પરિવારોને આમંત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવશે અને દરેક પરિવારને રૂ. 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવશે.

નવરાત્રિના પવિત્ર પર્વને દેશભક્તિ, શહીદો પ્રત્યેની કૃતજ્ઞતા અને સેવાભાવ સાથે જોડતી આ પહેલ સમાજમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાની સાથે શહીદ પરિવારો પ્રત્યે સન્માન અને સંવેદનશીલતાનો પ્રેરણાદાયી સંદેશ આપી રહી છે.
























